Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

ગરીબ કલ્યાણ સંમેલન :જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ:સરકાર અને સમાજના સહિયારા પ્રયાસે નવા ભારતનું નિર્માણ શક્ય બનશે

-વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વગુરુ બનવા તરફ ડગ માંડ્યા છે – મંત્રી ઋષિકેશ પટેલ : રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે નવતર અભિગમ દાખવીને વરિષ્ઠ નાગરિકો માટે ધેર બેઠા બ્લ્ડ ટેસ્ટીગ સુવિધા, આદિજાતિ અને દુર્ગમ વિસ્તારોમાં મોબાઇલ એમ્બ્યુલન્સ તેમજ ટેલી કન્સલ્ટિંગની સેવાનો પ્રારંભ કરવામાં આવશે : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ૨.૧૪ લાખ ખેડૂતોના ખાતામાં ૧૧ મો હપ્તો જમા થયો

 વિરમગામ : ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામા રાષ્ટ્ર કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વડાપ્રધાનએ હિમાચલ પ્રદેશના સિમલા ખાતે ઉપસ્થિત રહીને રાષ્ટ્રવ્યાપી સંબોધન તથા લાભાર્થીઓ સીધો સંવાદ કર્યો હતો. અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે દસ્ક્રોઇ તાલુકા સ્થિત નિષ્કલંકી નારાયણ ધામ થી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ગરીબ કલ્યાણ મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલે સંવેદનાપૂર્ણ કહ્યું કે, લોકોને આજે પોતાની સરકાર હોવાની પ્રતીતિ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર આજે દેશના અબાલવૃદ્ધ નાગરિકો સહિત સમાજના દરેક વર્ગને આવરી લેતો સમતોલિત વિકાસ આદર્યો છે. જેના પરિણામે  યોજનાકીય લાભો શહેરી વિસ્તારો પૂરતા સીમિત ન રહીને દેશના દૂર-સુદુર, અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો સુધી પહોંચતા થયા છે. અગાઉની સરકારમાં યોજનાઓ કાગળ પર બનતી અને કાગળ પર જ પૂરી થઈ જતી હતી જ્યારે આજે દેશની તિજોરીનો પૈસો દેશના નાગરિકોના લાભાર્થે સંપૂર્ણપણે ઉપયોગ થઇ રહ્યો છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.           રાજ્યમાં ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં  દરેક ધરમાં નલ થી શુદ્ધ પીવાનું જલ પહોંચતું થશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે મક્કમતાપૂર્વક કહ્યું હતું. તેમણે આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકારના નવતર અભિગમ અંગે જણાવતા કહ્યું કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા બ્લ્ડ ટેસ્ટીગની સુવિધા, આદિજાતિ અને  દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા મોબાઈલ એમ્બ્યુલન્સ સેવા તેમજ ટેલી-રેડિયોલોજી, ટેલી-આઇ.સી.યુ. જેવી ટેલીકન્સલ્ટીગ સેવાઓથી ઘરે બેઠા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે.
મંત્રીએ આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાના મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ગરીબોના ઉત્થાન અર્થે ગરીબ કલ્યાણ  મેળાની શરૂઆત કરી હોવાનું જણાવી વચેટિયા રાજ નાબૂદ  કરીને વંચિતો, જરુરીયાતમંદ ગરીબોને હાથોહાથ હાથ લાભ પહોંચાડ્યા હોવાનું ઉમેર્યુ હતું. જેના પરિણામે આજે રાજ્યનો ગરીબ નાગરિક પણ પગભર બનીને સમાજમાં ગૌરવભેર જીવી રહ્યો છે.
મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે આયુષ્માન ભારત, નલ સે જલ , ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નીધિ, મુદ્રા યોજના તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ક્ષેત્રે રાજ્યમા થયેલ કામગીરી, લાભાન્વિત થયે  લાભાર્થીઓની લાગણીઓ લોક સમક્ષ રજૂ કરી હતી.
દસક્રોઈના ધારાસભ્ય  બાબુભાઇ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે , છેવાડાના માનવીની આરોગ્ય,ખેતી, વીજળી,પાણી અને રાશન જેવી અનેક પાયાની સુવિધાઓની ચિંતા કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી છે. લાભાર્થીઓને એમના હકની મળતી સહાય ખૂબ ઝડપથી મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
લાભાર્થીઓને એક જ જગ્યાએથી અનેક યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તેમ ઉમેરતા ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિ સશક્ત બને એ માટે આત્મનિર્ભર ભારત અભિયાન સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. પાયાની સુવિધાઓ આપીને ગામડાઓને શહેર સાથે જોડવામાં આવ્યા છે
આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્રારા  અમદાવાદ જિલ્લાના લાભાર્થીઓને ઘરની ચાવી, ગેસ કિટ અને મંજૂરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.  કેન્દ્ર સરકારશ્રીની મુખ્ય ૧૩ યોજનાઓ ૧. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), ૨. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ૩.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ૪.પોષણ અભિયાન, ૫. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ૫ સ્વચ્છ ભારત મિશન, ૬. જળ જીવન મિશન અને અમૃત, ૮. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, ૯. એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ, ૧૦. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, ૧૧. આયુષ્યમાન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ૧૨. આયુષ્યમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, ૧૩. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓને ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત સામેલ કરવામાં આવી છે.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય સર્વ બલરામ થાવાણી, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ , અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, કલેકટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચો, તલાટીઓ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:43 pm IST)