Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

ગુજરાતની ભૂમિએ ગાંધીજીના નેતૃત્વમાં આઝાદી, સરદાર પટેલના નેતૃત્વમાં અખંડ ભારત અને નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ‘ન્યુ ઈન્ડીયા’ની આગેવાની કરી .

દેશભરમાં સદગુરૂ પ્રેરીત ‘માટી બચાવો’ અભિયાનનું નેતૃત્વ પણ ગુજરાત જ કરશે તેવો મને વિશ્વાસ છે : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ :“સેવ ધ સોઇલ” મિશન અંતર્ગત વિશ્વભરમાં પ્રવાસ કરી રહેલા ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક  સદગુરૂ જગ્ગી વાસુદેવજી આજે બનાસની ધરતી પર પહોંચ્યા હતા જ્યાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં જમીનનું અસ્તિત્વ, પોષણ અને વિકાસ માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.  

૨૪ દેશોમાં, ૩૦ હજાર કિલોમીટરનો પ્રવાસ બાઇક ઉપર ૧૦૦ દિવસની અંદર ખેડીને રણને આગળ વધતું અટકાવવા અને જમીનની ફળદ્રુપતા વધારવા ઇશા ફાઉન્ડેશન તેમજ સંસ્થાપક સદગુરૂજીએ આજે પાલનપુર, બનાસકાંઠામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં શ્રી સદગુરૂજીનું સ્વાગત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે “ભલે આપ અનેક દેશોમાં પ્રવાસ કરો પરંતુ જે પ્રેમ અને આત્મીયતા બનાસની ધરતી પર મળશે તેઓ અન્ય કોઇ જગ્યાએ જોવા નહિ મળે”

 વધુમાં સંઘવીએ જણાવ્યું હતું કે શ્રી સદગુરૂજી અને ઇશા ફાઉન્ડેશન દ્વારા નદી બચાવો મિશન ચલાવવામાં આવ્યું હતું તેનો પણ હું સમર્થક રહ્યો છું. સંઘવીએ કહ્યું કે આજનો યુવાન જો અમદાવાદથી ગાંધીનગર બાઇક પર મુસાફરી કરે તો તેના કમરમાં અને હાથમાં દુખાવો થવા લાગશે જ્યારે દુનિયાભરમાં બાઇક પર પ્રવાસ કરી રહેલા સદગુરૂજીની ફીટનેસ આપણને ઇર્ષા કરાવે છે. શ્રી સંઘવીએ ભારપૂર્વક કહ્યું હતું કે “ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અને નરેન્દ્રભાઇ મોદીની જન્મભૂમી છે જ્યાંથી ગાંધીજીએ આઝાદીની ચળવળનું નેતૃત્વ કર્યું, સરદાર પટેલે અખંડ ભારતની મુહીમનું નેતૃત્વ કર્યું અને આજે નરેન્દ્રભાઇ મોદી ભ્રષ્ટાચાર મુક્ત ન્યુ ઇન્ડિયા તરફ દોરી જવા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ગઇ કાલે અમદાવાદ ખાતે થયેલ શ્રી સદગુરૂજી અને ગુજરાત સરકાર વચ્ચે MOU દ્વારા માટી બચાવો અભિયાનનું નેતૃત્વ પણ દેશભરમાં ગુજરાત દ્વારા જ કરવામાં આવશે તેનો મને વિશ્વાસ છે”.

આ સાથે આ મિશનને પોતાનું સમર્થન આપી ગુજરાતની ધરતી જમીનના પોષણ બાબત નિશ્ચિત પગલાં ભરી, દેશ માટે ઉદાહરણ પુરૂં પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ સાથેજ શ્રી સદગુરૂજીના સેવ ધ સોઇલ મિશનના આગામી પ્રવાસ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રીત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરના વૃક્ષોના આવરણ થકી ગ્રીન ઝોન વધારવાના પ્રયાસો આ MOU દ્વારા થનાર છે. શ્રી સદગુરૂજીએ જણાવ્યું હતું કે ધરતી આપણને ધર્મ અને સરહદના ભેદથી ઉપર ઉઠી જોડવાનું કામ કરે છે. જે ધરતી આપણાં માટે પ્રાત: વંદનીય છે, તેને બચાવવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો બનાસની ધરતીના ખેડૂતોએ જ નહિ પરંતુ ગુજરાતની તમામ જનતા આ અભિયાન થકી કરશે તેવો મને વિશ્વાસ છે.

(7:13 pm IST)