Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

બીલીમોરા પાલિકા સામે GPCBની લાલઆંખ :અંબિકા નદીના કિનારે કચરો સળગાવતાહોવાની ફરિયાદ બાદ નોટિસ ફટકારી

તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા GPCBએ નગરપાલિકાને નોટિસ ફટકારી અને સાત દિવસમાં કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે એક્શન પ્લાન માગ્યો

નવસારીની બીલીમોરા નગરપાલિકા સામે GPCBએ લાલઆંખ કરી છે. અંબિકા નદીના કિનારે શહેરનો કચરો સળગાવતા હોવાની ફરિયાદ બાદ GPCBએ તપાસ હાથ ધરી છે. તપાસમાં ગંભીર બેદરકારી સામે આવતા GPCBએ બીલીમોરા નગરપાલિકાને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે એક્શન પ્લાન માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાલિકા રોજિંદા ટનબંધ કચરાને અંબિકા નદી પટ સ્થિત ડમ્પિંગ સાઇટ ઉપર નાખે છે. ઘર ઘરથી સુકો અને ભીનો કચરો બતાવવા પૂરતો અલગ અલગ લાવવામાં આવે છે. પરંતુ ડમ્પિંગ સાઇટ ઉપર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તેવી શહેરીજનોએ માગ કરી હતી.

આ તરફ વિપક્ષે ઘનકચરા નિકાલ માટે પાલિકાના શાસકો કોઈ કામગીરી ન કરતા હોવાના આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં નગરપાલિકાઓમાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે નિર્ણયને 16 વર્ષ જેટલો સમય વીતવા છતા હજુ સુધી તે કામ અભરાઈ ઉપર છે.

(10:53 pm IST)