Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

વડોદરાના ધારાસભ્‍ય યોગેશ પટેલે સિંધરોટનું પાણી માત્ર માંજલપુરા મત વિસ્‍તારમાં આપવા માંગ કરતા રાવપુરા વિસ્‍તારના હોદ્દેદારોમાં નારાજગી

વડોદરામાં પાણીના વિકટ પ્રશ્ન વચ્‍ચે વિવાદીત નિવેદનથી ભારે ચર્ચા

વડોદરાઃ વડોદરામાં કપુરાઇ ટાંકીમાંથી પાણી વિતરણ વ્‍યવસ્‍થાને લઇ વિવાદ ઉભો થયો છે. દક્ષિણ વિસ્‍તારને સિંધરોટનું પાણી મળ્‍યા બાદ ધારાસભ્‍ય યોગેશ પટેલે પાણી માત્ર માંજલપુર વિધાનસભા મત વિસ્‍તારને આપવા માંગ કરતા રાવપુરા વિસ્‍તારના હોદ્દેદારોમાં નારાજગી પ્રવર્તી છે.

રાજ્યમાં હજુ સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ નથી, ત્યાં વડોદરા શહેરમાં પાણીની પ્રશ્ન વિકટ બન્યો છે. વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું પાણી મુદ્દે એક વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું છે કે રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં પાણી આપશો તો દક્ષિણમાં વધારાનું પાણી જોઈશે.

કપૂરાઈ ટાંકીમાંથી પાણી વિતરણ વ્યવસ્થાને લઈને રાજકીય ડખો ઊભો થયો છે, ત્યારે દક્ષિણ વિસ્તારને સિંધરોટથી 50 એમએલડી પાણી મળ્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલે વોર્ડ 16, 17, 18 અને 19ના કાઉન્સિલરો સાથે બેઠક યોજી હતી. પાણીના મુદ્દે યોગેશ પટેલે ગઈકાલે (બુધવાર) મળેલી બેઠકમાં કપુરાઇ ટાંકીમાંથી પાણી માત્ર માંજલપુર વિધાનસભા મતવિસ્તારને જ આપવા માંગ કરી હતી.

ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ 16માં પાણી અને રોડ બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. સિંધરોટથી માંજલપુરને મળતા પાણીમાંથી જો કપુરાઈ ટાંકી મારફતે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પાણી આપવામાં આવશે તો તે વધારાનું પાણી માંજલપુરને આપવામાં આવે. બીજી બાજુ ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરાના ધારાસભ્યને રજુઆત કરો તેમ કહેતાં હોદ્દેદારોમાં નારાજગી વ્યાપી છે.

(4:51 pm IST)