Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહેસાણા જીલ્લાના ખેરાલુમાં વસંત અંબાલાલ આંગડીયા કર્મચારી પાસેથી રૂા.7.34 લાખ અને હીરાના પેકેટની લૂંટ કરનારા 6 ઝડપાયા

4.54 લાખ રોકડા, હીરાના પેકેટ, 3 બાઇક સહિત રૂા.5.80 લાખનો મુદ્દામાલ જપ્‍ત

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં 10 દિવસ અગાઉ ધોળા દિવસે વસંત અંબાલાલ આંગડીયા કર્મીને લૂંટી બાઈકસવાર લૂંટારૂ ફરાર થઇ ગયા હતા. રૂપિયા 7.34 લાખ રોકડ અને હીરાના પેકેટ ભરેલો થેલો ઝૂંટવી લૂંટારૂ ધોળા દિવસે ફરાર થતા ચકચાર મચી ગઈ હતી. ધોળે દિવસે લૂંટની ઘટનાની ગંભીરતાને લઇ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી તપાસમાં લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માં સફળતા મળી છે.

ગત 6 ઓગસ્ટના રોજ ખેરાલુની વસંત અંબાલાલ નામની આંગડિયા પેઢીના કર્મી પાસેથી અજાણ્યા લૂંટારુઓ પૈસા ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થયા હતા. ઘટનાની ગંભીરતા લઈ મહેસાણા એલસીબીએ આરોપીઓ પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સર્વેલન્સથી હાથ ધરેલી તપાસના અંતે મહેસાણા ક્રાઈમ બ્રાંચને લૂંટારૂ ટોળકી દાસજ હોવાની બાતમી આધારે તપાસ કરતા છ લૂંટારૂને પકડવામાં સફળતા મળી હતી.  બે લૂંટારૂ હજુ ફરાર છે. છ લૂંટારુઓ પાસેથી રૂપિયા 4.54 લાખ રોકડા, હીરાના પેકેટ અને ત્રણ બાઈક સહીત કુલ 5.80 લાખ ના મુદ્દામાલ કબ્જે કર્યો છે.

લૂંટારું ટોળકીને ઝડપ્યા બાદ વધુ પૂછપરછ કરતા 2018 માં આજ આંગડિયા પેઢીમાં અગાઉ પણ લૂંટ કરી હોવાની આ આરોપીઓએ કબૂલાત કરી છે. આ લૂંટારુઓ ટોળકી આ પ્રકારે લૂંટને અંજામ આપવા ખાસ રેકી કરતી અને તમામ માહિતી લઇ લૂંટને અંજામ આપતા હતા. હાલમાં તો આ લૂંટારૂ ટોળકીના 6 લોકોને મહેસાણા એલસીબી ઝડપી જેલ હવાલે કર્યા છે, અને 2 ફરાર આરોપીઓ ને પકડવા કાર્યવાહી કરી છે .

આમ મહેસાણા એલસીબીએ ગણતરીના જ દિવસોના આંગડિયા લૂંટ ના આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા છે અને આ ટોળકીની અગાઉ  અન્ય કોઈ ગુનામાં સંડોવણી છેકે નઈ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)