Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ખેડૂતોના દેવા માફઃ ૧૦ કલાક વિજળી ફ્રીઃ કોંગ્રેસની ‘રેવડી'

‘આપ' બાદ હવે કોંગ્રેસ કરી વચનોની લ્‍હાણીઃ ખેડુતો ઉપર વરસી કોંગ્રેસ : વીજ મીટર નાબુદ થશેઃ ટેકાના ભાવ પર બોનસઃ ખેડૂતોને પોષણક્ષમ ભાવઃ પત્રકાર પરિષદમાં માહિત આપતા જગદીશ ઠાકોર- ભરતસિંહ સોલંકી

અમદાવાદ, તા.૧૨: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોય એટલે વચનોની લ્‍હાણી થાય તે સ્‍વાભાવિક વાત છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં  વચનો તો પાર્ટી આપે છે પરંતુ તેમાં આગળ ઉમેરાઇ ગયુ છે ‘ફ્રી', જી, હા જનતાની પ્રાથમિક જરૂરિયાતો ગણાતી કેટલીક સુવિધાઓને અમે સત્તા પર આવીશુ તો ફ્રીમાં આપીશુ તેવી જાહેરાતો કરવામાં આવે ત્‍યારે હવે ગુજરાત કોંગ્રેસે પણ જનતાને આવા વચનોની લ્‍હાણી કરી..
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ મતદારોને રિઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્‍હીની આમ આદમી પાર્ટીએ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેંરટી આપી છે. આજે ગુજરાત કોંગ્રેસ તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજયમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ફ્રી વીજળી આપવામાં આવશે.
આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને દિગ્‍ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં કોંગ્રેસે જાહેરાત કરી છે કે, ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ૧૦ કલાક ફ્રી વીજળી આપવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂતની હદ હશે તે નિશાનમાં પથ્‍થર લગાવવામાં આવશે. આ ઉપરાંત માલધારીઓ જમીનધારણ કરવાનો પણ અધિકાર અપાશે તેવી કોંગ્રેસે જાહેરાત કરી છે.
કોંગ્રેસે વાયદો કર્યો છે કે સરકાર રચાશે તો પશુપાલકોને લિટરદીઠ ૫ રૂપિયાની સબસીડી આપવામાં આવશે.દરેક માલધારીઓને ખેડૂતનો દરજ્જો કોંગ્રેસ આપશે.સાથે જ ખેડૂતોના સિંચાઈ દર માં ૫૦ ટકાની રાહત આપવામાં આવશે. જણાવી દઇએ કે કોંગ્રેસના ધારાસભ્‍ય લલિત કગથરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી.
જણાવી દઇએ કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિશન ૨૦૨૨ને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબઝર્વર અને રાજસ્‍થાનના CM અશોક ગેહલોત આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવશે અને તેઓ ગુજરાત કોંગ્રેસ ૨૦૨૨ની ચૂંટણી રણનિતીને આખરી ઓપ આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઓબઝર્વર તરીકે નિયુક્‍ત કર્યા છે.
મહત્‍વનું છે કે, અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્‍હી પહોંચ્‍યા હતા. જયાં ચૂંટણીલક્ષી અને ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ધીરેધીરે કોંગ્રેસનું વર્ચસ્‍વ ખતમ થઈ રહ્યું છે, ત્‍યારે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોશિશ કરી રહ્યું છે. દિલ્‍હી હાઈકમાન્‍ડ ગુજરાતના નેતાઓને રાજયમાં છેલ્લા ૨૭ વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તામાંથી હટાવવા માટે ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવાયું છે.
* પહેલી જ કેબિનેટમાં ખેડૂતોનું ૩ લાખ સુધીનું દેવુ માફ કરવું
* ખેડૂતોને ૧૦ કલાક દિવસે વીજળી ફ્રી
* ખેતપેદાશો ઓછા ભાવે ખરીદવા પર પ્રતિબંધનો કાયદો
* ટેકાના ભાવ પર બોનસ અપાશે
* દૂધ ઉત્‍પાદકોને લિટરે ૫ રૂપિયા બોનસ
* વર્તમાન જમીન માપણી રદ કરીને નવી કરાશે
* માલધારીઓને ખેડૂતનો દરજ્જો અપાશે
* શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાશે
* તાલુકા દીઠ ખેડૂત સહાયતા કેન્‍દ્ર શરૂ કરાશે
* ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાશે
* શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વીજદરો રિવાઇઝ કરવામાં આવશે

 

 

(4:05 pm IST)