Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સત્સંગિજીવન ગ્રન્થ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ છે

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની મેમનગર ગુરુકુલમાં યોજાયેલ ૪૫ માં જ્ઞાનસત્રમાં પ્રથમ દિવસે ગુરુકુલ પરિસરમાં નીકળેલ ભવ્ય પોથીયાત્રા

અમદાવાદ તા.૧૦ : ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં મુંબઇ ગાંધીબંધુના યજમાન પદે, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને મર્યાદિત સ્થાનિક હરિભકતોની ઉપસ્થિતિમાં સરકારી ગાઇડ લાઇન પ્રમાણે અમદાવાદ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલને આંગણે શ્રાવણ માસના પ્રથમ દિવસ તા.૯-૮-૨૦૨૧ થી ૪૫મો ઓન-લાઇન જ્ઞાન સત્ર શરુ થયેલ છે.

        શરુઆતે ઠાકોરજીને પાલખીમાં પધરાવી, બેન્ડવાજા અને મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓની રાસમંડળી સાથે ગુરુકુલના પરિસરમાં જ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

        સત્સંગિજીવન ગ્રન્થનું પૂજન કર્યા બાદ તમામ સંતોએ સત્સંગિજીવન ગ્રન્થની પોથીઓને મસ્તક ઉપર ધારણ કરી હતી. ત્યારબાદ આ જ્ઞાનસત્રના મુખ્ય યજમાનપદે રહેલ મુંબઇવાસી ગાંધીબંધુ પરિવારના સભ્યોએ સત્સંગિજીવન ગ્રન્થની પોથીઓને મસ્તક ધારણ કરી પ્રદક્ષિણા કરી હતી.

        આ પ્રસંગે સંહિતાપાઠનું આયોજન કરવામાં આવેલ, જેમા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી સહિત ૧૧ ભૂદેવો અને ઋષિકુમારો જોડાયા હતા.

        આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જ્ઞાનસત્રનો મહિમા સમજાવી આજથી ૪૫ વરસ પહેલા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જ્ઞાનસત્રની શરુઆત કરેલ તે વાત કરી હતી.

        શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જ્ઞાન સત્રનો મહિમા સમજાવા જણાવ્યું હતુ કે, સત્સંગિજીવન ગ્રન્થ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો  શિરમોડ ગ્રન્થ છે.

માયા તેમજ જીવ વિષયક અજ્ઞાન રુપ અંધકારનો નાશ કરવા આ ગ્રન્થ સૂર્ય સમાન છે વળી ભવસાગર તરવામાં મહા નૌકારુપ છે.

સત્સંગિજીવન ગ્રન્થની સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રશંસા કરી લેખક શતાનંદ મુનિેને હાર પહેરાવી ભેટ્યા હતા.

(12:27 pm IST)