Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગુજરાતમાં ટેક્ષની બાકી રકમ ૬૦ હજાર કરોડ રૂપિયા

જીએસટી-સીએસટી- વેટ વગેરેની : ૫૮ ટકા રકમ ગયા ખાતે ગણવા જેવી

નવી દિલ્‍હી, તા.૧૦: ગુડસ એન્‍ડ સર્વીસ ટેક્ષ (જીએસટી)ને પાંચ વર્ષ પુરા થવાની તૈયારી છે. આવતા મહિનાથી ગુજરાત અને અન્‍ય રાજયોને જીએસટીની આવકમાં નુકશાની પેટે કેન્‍દ્ર તરફથી મળતુ વળતર બંધ થઇ થશે.

ગુજરાત રાજયના ટેક્ષની સરેરાશ આવકમાં મુકાયેલ લક્ષ્ય જેટલો વધારો નથી થઇ રહ્યો અને રાજયના કોમર્શીયલ ટેક્ષ વિભાગ અનુસાર રાજયમાં બાકી ટેક્ષની રકમ ૬૦૦૦૦ કરોડ જેટલી છે. આ આંકડો ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીનો છે જેમાં જીએસટી, સીએસટી અને વેટ સામેલ છે.

ટેક્ષ વિભાગના અધિકારીઓ અનુસાર, આ રકમના ૫૮ ટકા એટલે કે ૩૫૦૦૦ કરોડ રૂપિયા નોનો રીકવરેબલ ખાતે ગણવામાં આવ્‍યા છે. ઉચ્‍ચ સ્‍થાને બિરાજેલ એક સુત્ર અનુસાર આના માટેના કારણોમાં અમુક રકમ રાષ્‍ટ્રીય કંપની લો ટ્રીબ્‍યુનલમાં અટવાયેલી છે. અથવા તે માંદા યુનિટોની બાકી રકમ છે અથવા તો તે કંપનીને નોન રીકવરી સર્ટીફીકેટ અપાયેલુ છે અને અમુક કેસમાં કંપની બંધ થઇ ગઇ છે અથવા અમુક બોગસ ડીલર્સ છે જેને શોધવા મુશ્‍કેલ છે. આ બધી જ પેન્‍ડીંગ રીકવરી રાજય માટે ટેક્ષની આવકમાં નુકશાન સમાન છે.

જયારે જીએસટી શરૂ કરાયો ત્‍યારે કેન્‍દ્રએ ૧૪ ટકા ગ્રોથ રેટનું રક્ષણ કરવાનું વચન આપ્‍યુ હતું. છેલ્લા ત્રણ વર્ષ (૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧)ની જીએસટીની આવકમાં ૧૦.૮ ટકાનો સરેરાશ ગ્રોથ થયો હતો.

(12:04 pm IST)