Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

સુરતના વેસુ વિસ્તારમાં પરિવારના સભ્યો વિરુદ્ધ ઇન્સટ્રાગ્રામ પર અલગ અલગ આઈડી બનાવી બીભત્સ મેસેજ કરનાર ભેજાબાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: વેસુ વિસ્તારમાં રહેતા સાડી વેપારી અને તેના પરિવારના સભ્યો વિરૂધ્ધ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ સાત ફેક આઇડી બનાવી બિભત્સ મેસેજ કરી માનસિક ત્રાસ ગુજારવા ઉપરાંત બદનામ કરનાર દિલ્હીના અજ્ઞાત ભેજાબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા રીંગરોડના સાડી વેપારી મીનેશ (નામ બદલ્યું છે) ના ભાઇ ભાવીન (નામ બદલ્યું છે) ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર તેની પત્ની ખુશાલી (નામ બદલ્યું છે) અંગે રાઘવઅરોર327 નામની આઇડી પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો. ભાવીને મેસેજનો કોઇ રિપ્લાય આપ્યો ન હતો પરંતુ આઇડી બ્લોક કરી દીધું હતું. જેથી ભેજાબાજે રાગ્સ12189 નામે ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હતા. જો કે આ આઇડી પણ બ્લોક કરી દેતા ભેજાબાજે રાઘવઅરોરા326, રાઘવ_અરોરા89, રાઘવ_19920532, એન્ડરલીયોનીડવ, રાઘ.અવ2986, ડીરાઘવ10 નામે ફેક આઇડી બનાવી ખુશાલી અને ભાવીન અંગે બિભત્સ મેસેજ કરવાનું ચાલુ રાખી માનસિક ત્રાસ ગુજારતો હતો.

જેથી કંટાળીને ભાવીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ખોટી રીતે હેરાન નહીં કરવા વિનંતી કરી હતી. પરંતુ ભેજાબાજે ગાળો આપતો ઓડીયો ક્લીપ મોકલાવ્યા બાદ ડિલીટ કરી દીધી હતી. ત્યાર બાદ ભાવીન અને ખુશાલી નહીં પરંતુ પરિવારના તમામ સભ્યો અંગે બિભત્સ મેસેજ કરવાનું શરૂ કર્યુ હતું. ખુશાલીએ મેસેજ કરનાર સાથે ચેટ કરી નંબર મેળવી ભેજાબાજને કોલ કર્યો હતો. પરંતુ તેણે કોલ રિસીવ કર્યો ન હતો અને વેપારી પરિવારને બદનામ કરવાનું ચાલુ રાખતા છેવટે કંટાળીને પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે ઉમરા પોલીસે દિલ્હીના ભેજાબાજ વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(7:34 pm IST)