Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

અમદાવાદીઓ ગરમીથી ત્રાહિમામ :તાપમાનનો પારો 41 ડિગ્રી : એસી, કુલરની માંગમાં 40 ટકાનો ઉછાળો

ઉનાળાની શરૂઆત સાથે જ હિટવેવની અસર હજુ પણ આગામી દિવસો સુધી વર્તાશે

 

અમદાવાદ, આ વખતે ઉનાળાની શરૂઆત સાથે જ હિટવેવની અસર જોવા મળી છે અને હજુ પણ આગામી દિવસો રાજ્યભરમાં હિટવેવની અસર વર્તાશે. સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના કારણે એસી અને કુલરની માંગમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસો કરતા ઉનાળાની સીઝનમાં એસી કુલરમાં વેચાણ વધારે રહેતું હોય છે

આ વખતે સિઝનની શરુઆતથી જ એસી કુલરની માંગ જોવા મળી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીએ તેના તેવર દેખાડવાના શરૂ કરી દીધા છે. કારણ કે સિઝનની શરૂઆતથી જ હિટવેવ જોવા મળ્યો છે. હવામાન વિભાગ પણ સતત એલર્ટ આપી રહ્યું છે. દિવસની શરૂઆત ભલે ઠંડકથી થતી હોય પણ મધ્યાહન એટલે કે સૂરજ માથાપર આવતા જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ જાય છે.

 

તાપ એટલી હદે આકરો પડી રહ્યો છે કે બપોર સુધીમાં રસ્તા સુમસામ બની જાય છે. ડોકટર્સ પણ આવા હિટવેવ દરમિયાન બહાર નહિ નીકળવાની સલાહ આપતા હોય છે. બીજીતરફ હિટવેવથી બચવા ઠંડક મેળવવાના અલગ અલગ ઉપાય કરતા પણ નજરે પડે છે. જોકે ગરમીના કારણે આ વખતે સિઝનની શરૂઆતથી જ એસી અને કુલરની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે.

અમદાવાદ રિલીફ રોડ પર શો રૂમ ધરાવતા અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ મેઘરજભાઈ જણાવે છે કે સામાન્ય દિવસો કરતા એસી ફૂલરની માંગમાં 40 ટકા વધારો થાય છે. આખા વર્ષ દરમિયાન એસી અને કુલરનો જેટલું વેચાણ થાય છે તેનું 50 ટકા વેચાણ ઉનાળાની સીઝનમાં હોય છે.

કોરોનાના કારણે બે વર્ષથી ધંધા રોજગાર મંદા હતા ત્યારે આ વખતે ગરમીમાં એસી કુલરના વેચાણમાં હજુ પણ વધારો થાય તેવી વેપારીઓને આશા છે.મહત્વનું છે કે ગરમી અને હિટવેવના તેવર જોતા આગામી દિવસોમાં આ અગનજવાળા વધુ આકરી બને તેવું લાગી રહ્યુ છે. જેથી ગરમીથી બચવાના ઉપાય કરવા લોકોએ અત્યારથી તૈયાર રહેવું પડશે

(7:05 pm IST)