Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

સરદાર સાહેબના ભારતને અંખડ બનાવવાના કાર્યોને સમગ્ર દેશ અને દુનિયા સદાય યાદ રાખશે : પ્રદિપભાઇ પરમાર

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી સહિત સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

રાજકોટ તા.૨ : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર અને સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ આજે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

 

        મંત્રીશ્રી  પરમાર અને વડોદરાની તજજ્ઞ ટીમે  ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી  અદભૂત નજારો પણ માણ્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. 

 

         તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર  વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે  નિહાળ્યું  હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડશ્રી સંતોષ પાનસેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી  જાણકારી પુરી પાડી હતી. 

  

          મંત્રીશ્રી પરમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોધ્યું કે, આજે મે સામાજિક ન્યાય અને અધિકારીતા  વિભાગના  મંત્રી તરીકે મારા વિભાગના અધિકારીઓ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ કરીને ગુજરાતનું નામ વિશ્વના ફલક પર મુકીને એક આગવી ઓળખ ઉભી કરી છે. સરદાર સાહેબના ભારતને અંખડ બનાવવાના કાર્યોને સમગ્ર દેશ અને દુનિયા સદાય યાદ રાખશે.

     સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  આવનાર મુલાકાતીઓ- પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા નિહાળી ખૂબ જ અભિભૂત થાય છે. અહીં  પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે.

 

          આ  મુલાકાત દરમિયાન વડોદરાની તજજ્ઞ  સમિતિના સભ્ય અને જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી સુશ્રી મીતલબેન પટેલ,શ્રી  એસ. એ. શેખ, શ્રી આર. સી. વસાવા મુલાકાતમા સાથે જોડાયા હતાં. 

(4:19 pm IST)