Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ક્રાંતિકારી અને ભ્રાંતિકારી...

ભગતસિંહના દેશમાં ઠગભગતોના હુંકારા : મતદારો ક્રાંતિ કરે તો ભ્રાંતિ ભાગે..

આવતીકાલે ભારતના ઇતિહાસનો કસરિયો દિન છે. ર૩ માર્ચ ૧૯૩૧ના દિને ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગરૂ અને સુખદેવ ફાંસીના માચડે લટકી ગયા હતા. આ વીરલાઓને નાત-જાત-ધર્મ કોમ કે પ્રાંત માટે નહિ, રાષ્ટ્ર માટે બલીદાનો આપ્યા હતા.

આઝાદી દાનમાં નથી મળી, આઝાદી કોઇએ ગિફટ નથી કરી. એક ભગતસિંહ ફાંસીએ લટકે અને દેશમાં ૧૦૦૦ ભગતસિંહો પેદા થતા હતા. અંગ્રેજો માટે સલામતી જોખમી બની હતી. આઝાદી ફરજિયાત બની હતી...

...પરંતુ આ આઝાદી ભગતસિંહોની કલ્પનાની નથી. ક્રાંતિવીરોના દેશમાં ભ્રાંતિવીરોએ ગાળિયા નાખ્યા છે. લોકો પણ અબૂધ બનીને ભ્રાંતિકારીઓના ગાળિયામાં આવી જાય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો બરાબર જામ્યો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ રાફેલ-રાફેલની કેસેટ વગાડયે રાખે છે. રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર સામે બેફામ પ્રચાર થાય છે.

જે ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં છે છતાં કોંગ્રેસ આ મામલે ગરમ છે. આ જ કોંગ્રેસ ભ્રષ્ટતત્વો પાસે કથ્થક કરે છે. ચારાકાંડમાં લાલુ યાદવ ભ્રષ્ટ સાબિત થઇ ગયા છે. જેલની હવા ખાય છે, કોંગ્રેસ લાલુના પક્ષ સાથે જોડાણ કરવા જેલમાં મુલાકાત કરવામાં શરમ રાખતી નથી. રાફેલના કથિત ભ્રષ્ટચાર સામે રાહુલને વાંધો છે, પરંતુ લાલુના સાબિત થયેલા ભ્રષ્ટાચાર સામે તેમને વાંધો નથી  !

માત્ર રાહુલ જ નહિ, ભારતમાં ભ્રાંતિકારીઓ પારાવાર છે સતાધીશ ભાજપ તો ગજબ નીતિ ધરાવે છે. ભાજપને કોંગ્રેસ સામે વાંધો છે, પરંતુ કોંગીજનો સાથે નહિ... કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસમાં હોય ત્યાં સુધી બબૂચક અને પક્ષાંતર કરીને ભાજપમાં આવી જાય તો એ પરમ પવિત્ર બની જાય છે.

બે મુખ્ય રાજકીય પક્ષો ભ્રાંતિકારી જેવા છે, તો અન્ય ઝીણા-ઝીણા પક્ષોની દશા શી હશે ? પ્રાંતીય પક્ષો મોટાભાગે પારિવારિક ટોળાથી વિશેષ નથી. આવા ટોળા પાસે રાષ્ટ્રીય ઉન્નતિની વૃત્તિ-વિચાર-ક્ષમતા હોતી નથી. આવી આશા રાખવી મૂરખાઇ ગણાય.

કમાલ એ છે કે, ૭૦ વર્ષથી ભ્રાંતિકારીઓની ચુંગાલમાં પરેશાન થતા લોકો હજુ પણ જાગૃત થવા તૈયાર નથી. ચૂંટણી આવે ત્યારે મોટી નાતના નાના-મોટા નેતાઓ ફૂટી નીકળે છે. નાતના ટોળા તેમની પાછળ હડિયું કાઢે છે એટલે એ નેતુ હવામાં આવી જાય છે. મીડિયા પણ આવા નાતીલા નેતાઓની આસપાસ કથ્થક કરવા લાગે છે. રાજકીય પક્ષો પોતાના કાર્યકરને પડતા મૂકીને જે તે નાતના નેતાને ટિકીટ આપે છે. નાતનું ટોળુ મત આપી દે છે. આવું નેતુ દેશનું તો ઠીક, પોતાની નાતનું કલ્યાણ પણ કરતું નથી..

લોકો ભ્રાંતિકારી રહેશે ત્યાં સુધી ભારતને ક્રાંતિકારી નેતાગીરી નહિ મળે. ભગતસિંહને અંજલી આપવી હોય તો ક્રાંતિકારી બનીને આપજો, ક્રાંતિવીરો રાષ્ટ્રના પિતૃઓ છે એ કયારેય ન ભૂલતા..

 

 

(11:21 am IST)