Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ચીન : તાકાતનું ખંધુ પ્રદર્શન...

મસુદ જેવા રાક્ષસ માટે દુનિયા સાથે દુશ્મની વહોરી : આતંકી જાહેર કર્યા વગર મસુદની 'દવા' કરો...

આવતીકાલે સામ્યવાદના પ્રણેતા કાર્લ માક્ર્સની પુણ્યતિથિ છે. ૧૭ માર્ચ ૧૮૮૩ના દિને તેઓનું નિધન થયું હતું. કાર્લ માર્ક્સના મનમાં સામ્યવાદની કલ્પના વિશિષ્ટ હતી. સામ્ય એટલે કે સમાન.. સમાજમાં કે દેશમાં કોઇ માણસ મોટો નહિ, કોઇ નાનો નહિ. કોઇ ગરીબ નહિ, કોઇ અમીર નહિ, બધા સમાન. સામ્યવાદનો મૂળ ભાવ આવો હતો, પરંતુ સામ્યવાદી વાહકો અને શાસકોએ ભયાવહ  ક્રુરતા દાખવી હતી. રાક્ષસી સામ્યવાદી શાસન પદ્ધતિના હાહાકાર બાદ લોકશાહી પદ્ધતિનો ઉદય થયો હતો.

વિશ્વભરમાં લોકશાહી પ્રસર્યા પછી પણ ચીન જેવા દેશોમાં સામ્યવાદ જળવાઇ રહ્યો હતો. હમણા કેટલાક વર્ષો પૂર્વે ચીનમાં લોકશાહીની સ્થાપના થઇ છે, પરંતુ સામ્યવાદી છાંટ જળવાઇ રહી છે.

ત્રાસવાદ સામે વૈશ્વિક જંગ ચાલી રહ્યો છે ત્યારે પણ ચીન પાકિસ્તાની આતંકીઓને પોતાના જમાઇની જેમ સાચવી રહ્યું છે. મસુદને આતંકી જાહેર કરવામાં ચીને વીટો પાવર વાપર્યો. રાક્ષસને બચાવવા દુનિયા સાથે દુશ્મની વહોરી લીધી.

ચીન તાકાતવર દેશ છે, પરંતુ તાકાતનો ઉપયોગ ખંધાઇથી કરે છે. મસુદ પ્રકરણમાં ચીનની ભૂમિકા બાદ ભારતના વિપક્ષ કોંગ્રેસે નિવેદન આપ્યું કે, 'મોદી સરકારની વિદેશ નીતિ નિષ્ફળ ગઇ !'

ભારતની સરકારો ચીન સામે મોટાભાગે સફળ થતી નથી, કારણ કે ચીનના શાસકો અપાર પાવર સાથે ખુરશીમાં બેઠા હોય છે. જિનપિંગના નિર્ણય અંગે ચીનમાં વિરોધ શકય નથી. ચીનમાં વિપક્ષ કે લોકો આડેધડ નિવેદનો કરે કે રોડ પર ઉતરે તો તેને ફૂંકી મારવાના આદેશો છૂટે છે. ચીનનું મીડિયા પણ સરકારની ઇચ્છા વિરૂદ્ધ ચું કે ચા કરી શકતું નથી. ભારતમાં વધારે પડતા સ્વાતંત્ર્યના કારણે સરકારોએ દરેક પગલે વિરોધ સહન કરવો પડે છે. આ કારણે સરકારે છાસ પણ ફૂંકીને પીવી પડે છે. ભારતને લોકશાહી પચી નથી.. ચીનમાં સરકાર પર શંકા કરવાનો અધિકાર નથી, ભારતમાં સૈન્ય પર પણ બેફામ આક્ષેપો થાય છે.

આંતરિક મજબૂતીના કારણે ચીન ભારતને ભારે પડે છે. જોકે મસુદ મામલે ચીને માત્ર ભારતને જ નહિ, વિશ્વને નારાજ કર્યું છે. સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં વીટો વાપરીને મસુદને બચાવ્યો છે.

ચીન ગમે તેટલુ મજબૂત હોય, પરંતુ તેની નાલાયકી સહન ન કરવી જોઇએ. વિશ્વએ ચીનને બાજુએ રાખીને મસુદની 'દવા' કરી નાખવી જોઇએ. ત્રાસવાદ સામે વૈશ્વિક જંગ ચાલે છે. મસુદના રાક્ષસીપણાના પુરાવા ભારતે ચીન સહિત વિશ્વના દેશોને આપ્યા છે. મસુદને વૈશ્વિક આંતકી જાહેર કર્યા વગર જ મોટો ફટાકડો પાકિસ્તાનમાં ફોડીને મસુદનું અસ્તિત્વ સમાપ્ત કરવું જોઇએ. વિશ્વ આ અંગે રસ ન ધરાવે તો ભારતે પરાક્રમ કરીને સવાયુ સાબિત થવું જોઇએ.

ભુતકાળમાં અમેરિકાએ લાદેનને 'જમાઇ' બનાવ્યો હતો, બાદમાં લાદેને સાસરિયાની પથારી ફેરવી હતી. ચીનને પણ મસુદની જમાત ભારે પડી શકે છે. જોકે ભારતે એ સ્થિતિની રાહ જોવાને બદલે ઓપરેશન કરવું જોઇએ.

(11:05 am IST)