Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ચલ ઉડ જા રે પંછી કે અબ..

અબજપતિઓ દેશ છોડી રહ્યા છે... દેશ 'બૈગાના' નથી થયો, રાષ્ટ્ર પ્રત્યેના લગાવની અછત સર્જાઇ રહે છે

આવતીકાલે રેડિયોના શોધક વૈજ્ઞાનિક માર્કોનીનો જન્મ દિવસ છે. તેમનો જન્મ રપ એપ્રિલ ૧૮૭૪ના દિને થયો હતો. ૧૯૮રમાં રપ એપ્રિલે ભારતમાં પ્રથમ વખત કલર ટીવી પ્રસારણનો પ્રારંભ થયો હતો. સમૂહ માધ્યમોની દૃષ્ટિએ આવતીકાલનો દિવસ મહત્વનો બને છે. રેડિયો અને પ્રિન્ટ મીડિયા ઠંડા માધ્યમો ગણાય છે, જયારે ટીવી ગરમ માધ્યમ છે. અખબારો-રેડિયો વાચકો-શ્રોતાઓ સામે વર્ણન રજૂ કરે છે, આ કારણે વાચક-શ્રોતાના મગજમાં ચિત્ર ખડું થાય છે. જયારે ટીવી ડાયરેકટ જીવંત દૃશ્ય રજૂ કરી દે છે તેથી આ માધ્યમના દર્શકોને મગજનો ઉપયોગ કરવો પડતો નથી. આ માધ્યમ મગજ પર તીવ્ર અસર કરે છે.

વર્તમાન સમયમાં ગરમ માધ્યમનો ગરમાગરમ યુગ છે. માધ્યમોએ સ્પર્ધાત્મક માહોલમાં 'સબ સે આગે'ની દોડ આદરી છે, જેમાં ન્યૂઝ સેન્સ પાછળ રહી ગઇ છે. ગમે તેવા ન્યૂઝ પ્રસારિત થઇ જાય છે. એક સમાચાર એક સપ્તાહથી ચાલે છે કે, ભારતના અબજપતિઓ દેશ છોડી રહ્યા છે. ગઇકાલે રીયલ એસ્ટેટ ટાયકુન સુરેશ હિરાનંદીએ પણ ભારતની નાગરિકતા છોડી ર૦૧૪થી અત્યાર સુધીમાં ર૩,૦૦૦ અબજપતિઓ ભારત છોડીને વિદેશી બની ગયા...

પ્રથમ મુદ્દો એ કે ભારત દેશ કોઇના વગર અટકે તેમ નથી. દેશ કોઇના આધારે નથી ચાલતો, દેશના આધારે સવા અબજ ભારતીયો ધબકે છે. ટીવી ચેનલો પર કહેવાતા નિષ્ણાતો જે રીતે ચિંતા કરે છે એ થોડી વધારે પડતી છે.

ઉદ્યોગકારો-વ્યવસાયિકો મહેનત-સૂઝ-સાહસથી અબજપતિ બન્યા હોય છે, એ દેશના ઘરેણા ગણાય, પરંતુ અબજપતિએ એ પણ ન ભૂલવું જોઇએ કે - દેશનું ઋણ તમારા પર છે... જોકે, સુરેશ હિરાનંદીએ દેશ છોડવાના કારણમાં જણાવ્યું છે કે, 'ભારતીય પાસપોર્ટમાં વર્કવીઝા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે છે તેથી સાઇપ્રસની નાગરિકતા લીધી છે.' ઉદ્યોગકારો-વ્યવસાયિકોની વ્યવસાયિક મુશ્કેલી દૂર કરવી એ રાષ્ટ્રની ફરજ છે. નીતિ-નિયમોમાં અનુકુળતા સર્જવી જરૂરી છે.

... પરંતુ રાષ્ટ્રના હિતને નુકસાન કરીને અબજપતિઓને દેશમાં રોકી રાખવા જરૂરી નથી. નીતિ-નિયમોમાં બદલાવ રાષ્ટ્રહિતને ધ્યાને રાખીને થવા જોઇએ. મીડિયા જે રીતે દેશનું નકારાત્મક ચિત્ર રજૂ કરી રહ્યા છે એટલો બધો ખરાબ દેશ નથી.

યાદ કરો-ચાર વર્ષ પૂર્વે ફિલ્મી હીરો અમિર ખાને 'દેશ અસહિષ્ણુ'નું ગતકડું ચલાવ્યું હતું. મીડિયા જગતે ખૂબ ચગાવ્યું હતું. કહેવાતી બૌદ્ધિક જમાત સાહિત્યકારોએ રાષ્ટ્રીય સન્માનો પરત કરી દીધા હતા. આજે દેશની સ્થિતિ ચાર વર્ષ પૂર્વે હતી તેવી જ છે, છતાં આમિર ખાનોને દેશ 'સહિષ્ણુ' લાગવા માંડયો છે ! આવી જમાતને વિદેશમાં કોઇ સાચવી શકે તેમ નથી. ફિલ્મી હિરા-ક્રિકેટરો વગેરેને ભારતમાં પૈસા-પ્રસિદ્ધિ મળે છે તે અધધધ છે. વિદેશમાં આ રીતે જલ્સા શકય નથી. દેશનું ઋણ ચૂકવવાને બદલે તેને બદનામ કરનારાઓની વસ્તી વધી રહી છે. સરકાર સામે વાંધો હોય તો તેની ઝાટકણી કાઢો, પણ દેશની પથારી ફેરવવાનું બંધ થવું જોઇએ. (૮.ર)

(9:56 am IST)