Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ફાંસી : કાયદાનો ડર અનિવાર્ય

માત્ર કાયદા ઘડવાથી ગુન્હા ઓછા નહિ થાય : કાયદાનો કડક અમલ અને તત્કાળ જાહેર સજા જરૂરી

રાજનીતિના ડગલાની અસર અને આડસઅર વિશેષ હોય છે. મુખ્ય ન્યાયધીશ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવીને પરોક્ષરૂપે કેન્દ્ર સરકારને ભીડવનાર કોંગ્રેસ આ પગલાની આડઅસરથી મુકત નથી. કોંગ્રેસના મોવડીએ કયારેય વિચાર્યું નહિ હોય તેવી આડઅસર જોવા મળી છે. ઓરિસ્સામાં કંગીજનોને જવાબ આપવા અઘરા પડે છે. બન્યું એવું કે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઓરિસ્સાના છે, આ રાજયના ગૌરવ તરીકે ઉભર્યા છે. મહાભિયોગના કારણે ઓરિસ્સામાં કોંગ્રેસ વિલન બની ગઇ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને રજૂઆત કરવી પડી કે- મહાભિયોગના મુદ્દાને ચગાવશો તો ઓરિસ્સામાં પક્ષ માટે કપરા ચઢાણ થઇ જશે. વિચારા રાહુલ...

રાજનીતિની અસર-આડઅસર રસપ્રદ હોય છે. દેશને રાજનૈતિક નહિ, રાષ્ટ્ર નૈતિક પગલાની જરૂર છે. બાળકીઓ પર દુષ્કર્મ કરનાર રાક્ષસને ફાંસી આપવાનો વટહુકમ આવ્યો છે. રાષ્ટ્રપતિએ સહી કરી દેતા આ હુકમ કાયદો બની ગયો છે. રાક્ષસોને ફાંસી આવકાર્ય છે.

દેશમાં કાયદાનું શાસન અને કાયદાનો ડર અનિવાર્ય છે. કાયદા કડક હોવા જોઇએ, તેનો ચુસ્ત અમલ જરૂરી છે અને ગુન્હાખોરને તત્કાળ જાહેર સજા આપવી જોઇએ. સવાલ એ છે કે, કાયદા ઘણા છે, પણ ગુન્હા કેમ ઓછા થતા નથી ?

મનમોહન સરકાર વખતે નિર્ભયા કેસ ખૂબ ચગ્યો હતો. લોકો અને મીડિયાના દબાણમાં ત્યારે પણ દુષ્કર્મ વિરોધી કડક કાયદો ઘડાયો હતો. કડક કાયદા બાદ પણ દુષ્કર્મો ઘટ્યા નથી, એ હકીકત છે. આવું શા માટે થાય છે ?

કાયદા ઘડવા પાછળનો દૃષ્ટિકોણ મહત્વનો છે. નિર્ભયાકાંડ અને કઠુઆકાંડ બાદ બનેલા કાયદા રાજનૈતિક દૃષ્ટિકોણથી ઘડાયા છે. લોકોનો આક્રોશ અને મીડિયાના દબાણથી સરકારે લાચાર બનીને કાયદો બનાવવો પડયો છે. આવા કાયદા રાજકીય ડેમેજ કન્ટ્રોલથી વિશેષ કંઇ નથી. કાયદા સુરક્ષા વ્યવસ્થા અને લોકકલ્યાણના રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી બનવા જોઇએ. આવી દૃષ્ટિએ બનેલા કાયદા અસરકારક પરિણામ આપી શકે છે.

ભારતમાં મોટાભાગના કાયદા રાજકીય દૃષ્ટિકોણથી સક્રિય છે. આ કારણે અંધાધુંધીનો માહોલ છે. કાયદા હોવા છતાં ગુન્હા ઘટતા નથી. કાયદાનો ડર પણ સમાજ જીવનમાં જોવા મળતો નથી. આરોપીઓ છટકી જતા પણ જોવા મળે છે. કાયદા પાછળ જે દૃષ્ટિકોણ હોય એ મુજબનું ફળ પ્રાપ્ત થતું હોય છે. રાજકીય દૃષ્ટિકોણથી રાજકીય લાભ પ્રાપ્ત થાય. કઠુઆકાંડ મુદ્દે ગોકીરા કરનાર કોંગ્રેસ પંજાબમાં દુષ્કર્મ થાય તો મૌન રહેલો ભાજપ પંજાબમાં આવું કંઇ થાય તો ગોકીરા કરી મૂકે છે...

પક્ષો રાજકીય લાભ લે છે, મીડિયા ટીઆરપીનો લાભ લે છે. કહેવાતા સમાજ સેવકો પ્રસિદ્ધિનો લાભ લે છે... સરકાર કાયદો ઘડીને રાજકીય ડેમેજને કન્ટ્રોલ કરી લે છે. આ કોઇને સમાજની-બાળકીઓની ચિંતા છે ? દુષ્કર્મ જેવી રાક્ષસી ઘટનામાં પણ દરેક પોત પોતાનું કરી લે છે... આ સ્થિતિમાં ફાંસીનો કાયદો બને કે ગુન્હાખોરના કટકા કરી દેવાનો કાયદો બને, એ બધું નિરર્થક છે. રાજકીયને બદલે રાષ્ટ્રીય દૃષ્ટિકોણ પ્રસ્થાપિત થાય તો જ અસરકારક પરિણામ આવે.

(9:59 am IST)