Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ન્યાય મંદિર : શ્રદ્ધા અનિવાર્ય

ચૂકાદાઓનો મોસમ : માયાબેનથી મહાભિયોગ

આવતીકાલે વિશ્વ પૃથ્વી દિવસ છે. વિરાટ બ્રહ્મમાંડમાં માત્ર પૃથ્વી પર જ માનવ જીવન ધબકે છે. સુખ-સુવિધા અને સૌંદર્યથી ભરપૂર પૃથ્વી પર છ અબજ લોકો સુખ-શાંતિથી રહી શકતા નથી. ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડાયો છે. આપણે પ્રાર્થના કરીએ કે, પૃથ્વી પરથી નકારાત્મક શકિતઓનો ક્ષય થાય અને સકારાત્મક ઉર્જાઓ સર્વત્ર છવાય.

પૃથ્વીના ગોળા પર બે રાષ્ટ્રો સૌથી વધારે વસ્તી ધરાવે છે. પ્રથમ ક્રમે ચીન છે, જે અન્ય દેશોને શાંતિ લેવા દેતું નથી. બીજા ક્રમે ભારત છે, જે ખુદ શાંતિના શ્વાસ લઇ શકતું નથી ! ભારતમાં દરરોજ નવી મગજમારી ઉત્પન્ન થાય છે, મોટાભાગની મગજમારી બકવાસ જેવી હોય છે.

તાજેતરમાં ભારતમાં ન્યાયતંત્ર ચર્ચામાં છે. ન્યાય સપ્તાહ ચાલતું હોય તેમ ચર્ચાસ્પદ કેસોના ચૂકાદા આવી રહ્યા છે. જજ લોયાના કેસના ચૂકાદા બાદ ગુજરાતમાં નરોડા પાટિયા કેસનો ચૂકાદો ગઇકાલે આવ્યો. માયાબેન મુકત થયા.

આ ચૂકાદાનો રોમાંચ છવાય એ પૂર્વે જ દેશના વિપક્ષી દળે હિલચાલ આદરી દીધી. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિના દરબારમાં રજૂ કરાયો. મહાભિયોગ બંધારણીય પ્રક્રિયા છે, તેનો વિરોધ કરવો ન જોઇએ, પરંતુ ગઇકાલે જ સુપ્રિમ કોર્ટ ટિપ્પણી કરી હતી કે, મહાભિયોગ પ્રસ્તાવ વગર આ મામલે ચર્ચા થાય એ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ટિપ્પણીને મીડિયા તથા રાજનીતિએ ગંભીરતાથી લેવી જોઇએ.

લોકશાહીની ચાર જાગીર છે, જેમાં ન્યાયતંત્રનો પણ સમાવેશ થાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ વિશેષાધિકાર ધરાવે છે. ન્યાયતંત્ર અને પ્રતિનિધિઓના 'પાવર'માં ઘણી વખત તણખા ઝરે છે.

કોઇ પણ જાગીરે ખુદનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરવા બંધારણીય માર્ગ અપનાવવો જોઇએ. વિપક્ષ કોંગ્રેસ અને અનય છ પક્ષો મહાભિયોગ લાવ્યા છે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા તેમણે 'પાવર'નો ઉપયોગ કર્યો છે, આ મામલાનો વિરોધ ન હોય શકે. આગળની બંધારણીય કાર્યવાહી ગરીમાપૂર્ણ રીતે થાય તે જરૂરી છે. મીડિયા પાસે જઇને ન્યાયતંત્ર અંગે ચર્ચા કરવા માંડવી એ બાબત યોગ્ય નથી લાગતી.

મહાભિયોગ પ્રસ્તાવ બંધારણીય રસપ્રદ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અનુસાર દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા દેવું જોઇએ. રાષ્ટ્રની મોભી જેવી જાગીર અંગે શેરીઓ-ગલીઓ જેવી ચર્ચાઓ થાય એ દેશ માટે શોભાસ્પદ નથી.

ન્યાયતંત્રને મંદિર માનવામાં આવે છે. મંદિર પર શ્રદ્ધા રાખવી અનિવાર્ય હોય છે. રાષ્ટ્ર સામે આવેલા ગંભીર મુદ્દા સામે પૂર્ણપણે ગંભીરતા દાખવવી જરૂરી છે.

(10:22 am IST)