Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અર્થતંત્ર : ખનખનિયા ખલ્લાસ...!

નાણા મંત્રાલયથી માંડીને રિઝર્વ બેંક સુધીનું તંત્ર ગોટે ચઢયું : તંત્ર કેશ લેસને બદલે સેન્સલેસ !

ત્રિપૂરાના નવાઅનવા મુખ્યમંત્રી બિપ્લવ દેવ ગઇકાલે મીડિયામાં છવાયેલા રહ્યા. શ્રી દેવે મહાભારતની મસ્ત 'કથા' આદરી હતી. એ યુગમાં ઇન્ટરનેટ-સેટેલાઇટ હતાં તેવી વાત કરીને સોશ્યલ મીડિયામાં મજાકનો વિષય બન્યા. શ્રી દેવે તર્ક આપ્યો કે, મહાભારત યુદ્ધનું સંજ્યે રૂમમાં બેસીને વર્ણન કર્યું હતું... આ બધું ટેકનોલોજીના કારણે બન્યું હતું.

ભાજપના નેતાઓ મોટી-મોટી વાતો કરવામાં પાવરધા હોય છે. તક મળે ત્યારે દેશના મીડિયાની નજર પોતાના પર પડે તેવા ખેલ નાખી દે છે, પરંતુ મહાભારતકાળમાં ઉપગ્રહ હોવાની ચિંતા કરનાર ભાજપના વર્તમાનકાળના ગ્રહો ગોટે ચઢ્યા હોય તેમ લાગે છે. દલિત મુદ્દો, કઠુઆકાંડ સહિતના મુદ્દે ઘેરાયેલા ભાજપને અરૂણ જેટલીને નવી સમસ્યા ગિફટ આપી છે.

દેશના ઘણા રાજયોમાં રોકડ ચલણની અછત સર્જાઇ છે. ATMમાં અને બેંકોમાં નાણા ખલ્લાસ થઇ ગયા છે. રોકડથી જ વ્યવહાર ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. આ વિપરિત સમયે નાણા પ્રધાન અરૂણભાઇ ગંભીરતા દાખવ્યા વગર કહી દે કે દેશમાં ચલણની અછત નથી. આઠ દિવસમાં સ્થિતિ થાળે પડી જશે... રિઝર્વ બેંકે પણ ગલ્લાતલ્લા કર્યા.

લોકો ખુદના પૈસા પોતે વાપરી ન શકે એ સ્થિતિ સરકાર માટે શરમજનક ગણાય. ગંભીર સમસ્યા ગણાય. સરકારની નીંદર હરામ થઇ જવી જોઇએ, પરંતુ તંત્ર હજુ જાગ્યું હોય તેમ લાગતું નથી. અરૂણ જેટલીને સીધા સવાલ કરવા જોઇએ કે, ચલણની અછત નથી તો ચલણ કયાં ગ્યું ? સામાન્ય માણસે વ્યવહારો કઇ રીતે ચલાવવા ? બેંકો- ATMમાં પૂરતું ચલણ રહે એ જવાબદારી કોની છે ? કોના નિર્ણયથી ચલણનો દુકાળ સર્જાયો ? આવી ભૂલ કરનાર સામે કયાં પગલા લેવાયા? આવા સવાલ કોઇ પૂછતું નથી અને સરકારની ઉંઘ ઉડતી નથી.

અર્થતંત્રની દશા અનર્થતંત્ર જેવી થઇ ગઇ છે. નાણાપ્રધાન અરૂણ જેટલીની તબીયત સારી રહેતી નથી એ જગજાહેર છે. આપણે પ્રાર્થના કરીએ કે, એ ઝડપભેર સ્વસ્થ થાય, પરંતુ સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી પોતાનું પદ અન્યને આપી દેવું જોઇએ. એક માણસના કારણે દેશનું અર્થતંત્ર બીમાર પડી જાય એ યોગ્ય નથી જ.

ભારતમાં લોકોની માનસિકતા પારખીને સરકારે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. ભારતની આગળ વિશેષતા છે કે, અફવાથી લોકસમૂદાય દોરવાઇ જાય છે અને મીડિયા પણ ભય જેવું વાતાવરણ સર્જી દે છે. આ સ્થિતિમાં જે તે સમસ્યા વધારે ગંભીર બની જતી હોય છે. સરકાર અર્થતંત્રને કેશલેસ બનાવવા પ્રયત્ન કરે છે, પણ ખુદની દશા સેન્સલેસ જેવી બની જાય છે. ખનખનિયા સાથે સરકારની સમજ પણ ખલ્લાસ થતી જતી હોય તેમ લાગે છે. મહાભારતકાળના ઇન્ટરનેટની ચિંતા કરવાને બદલે ભાજપે ગોટે ચઢેલા ગ્રહોને સુધારવા જરૂરી છે.

(10:18 am IST)