Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અક્ષય તૃતિયા : શુભસ્ય શીધ્રમ

શુભ કાર્યો પ્રારંભ કરવાનો આજે શ્રેષ્ઠ દિવસ છે : ચાલો, આપણે દેશ માટે શુભ કરીએ...

સર્વ પ્રથમ ક્રાંતિવીર તાત્યા ટોપેને વંદન કરીએ. ૧૮ એપ્રિલ ૧૮પ૯ના દિને તાત્યાજીને ફાંસી અપાઇ હતી. રાષ્ટ્ર માટે નામી-અનામી અસંખ્ય વીરલાઓએ બલીદાનો આપ્યા છે. શહીદ વીરો દેશના પિતૃ ગણાય, પણ અફસોસ... તેને અનુસરવું તો દૂર રહ્યું, કોઇ યાદ પણ કરતું નથી.

આપણે બધા નાના-નાના ચક્કરોમાં ફસાઇ ગયા છીએ. જ્ઞાતિવાદ-કોમવાદ-જાતિવાદ-પ્રાંતવાદ... ચારેબાજુ વાદ-વાદ અને વિવાદ. નાના-નાના કુંડાળાના કારણે મહાન દેશ લાચાર જેવી સ્થિતિમાં ધબકી રહ્યો છે.

ગાઢ અંધારૃં ભલે બિહામણું લાગે, પરંતુ કાતિલ અંધકારને ભગાવવામાં પ્રકાશનું એક કિરણ કાફી હોય છે. આજે પ્રકાશનો ઝબકારો કરવાનો અમૂલ્ય અવસર છે. આજે અક્ષય તૃતિયા છે. ગુજરાતીમાં તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસથી સત્યુગનો પ્રારંભ થયો હતો તેથી તેને યુગાદિ તૃતિયા પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આજનો દિવસ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે. આજના દિવસે થયેલા જપ, તપ, જ્ઞાન, દાનને અક્ષય ફળ મળે છે. અક્ષય એટલે જેનો કયારેય ક્ષય-નાશ નથી થતો તેવું. ગ્રહો અનુસાર આજની અક્ષય તૃતિયા વિશષ છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગને મહાસંયોગ સર્જાયો છે. આ સંયોગ ર૪ કલાક સુધી રહેશે. મંગલ કાર્ય માટે અતિ ઉત્તમ અવસર છે.

આજે દેશ માટે શહીદ થવાની જરૂર નથી, દેશ માટે મરવાને બદલે જીવવાની જરૂર છે. લોકશાહીની ચારે-ચાર જાગીર ગોથે ચઢી છે. આ ગોથાલિયામાં આપણે બધા જાણતા-અજાણતા સામેલ થઇ ગયા છીએ. દેશ માટે કંઇ ન કરી શકાય તો પણ કંઇ નહિ, આજના શુભ દિને ન નડવાનો સંકલ્પ થાય અને તેનું પાલન થાય તો પણ મોટી દેશ સેવા થઇ ગણાશે. નાત-જાત-કોમ-પ્રાંતના ચકરડામાંથી મુકત થવાની જરૂર છે. રાજકારણીઓ આવા ચક્કરમાંથી વ્યકિતગતરૂપે મુકત છે જ, ચૂંટણી સમયે મત લેવા માટે ચકરડા શરૂ કરીને લોકોને પાટે ચઢાવે છે અને મીડિયા જગત પોતાના સ્વાર્થ માટે આવા ફેલાયેલા ગાઢ અંધકારમાં આપણે માત્ર સમજદારીનો તેજ લીસોટો કરીએ તો પણ અંધારાથી મુકિત મળી જશે.

કોમવાદ-જાતિવાદ-પ્રાંતવાદ વગેરે ૭૦ વર્ષથી ચાલે છે. કોઇનું કલ્યાણ નથી થયું, વાદ ચલાવનારા મુઠ્ઠીભર તત્વો સુખ-સમૃદ્ધિમાં આળોટે છે, પણ દરેક વાદના સામાન્ય લોકોની પ્રાથમિક જરૂરિયાતોના પણ ફાંફા છે. સ્પષ્ટ તારણ એ નીકળે છે કે, ચકરડામાંથી બહાર નીકળીને રાષ્ટ્રના કલ્યાણની સમજ વિકસે તો જ સ્વનુ કલ્યાણ થશે. અક્ષય તૃતિયાના દિને રાષ્ટ્રના કલ્યાણનો સંકલ્પ જરૂરી નથી લાગતો? શુભસ્ય શીઘ્રમ...(૮.ર)

 

(11:44 am IST)