Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કેન્ડલ માર્ચ : તમસો મા જયોતિર્ગમય !

દરેક પક્ષો પોતાના અંધારાની ચિંતા કરે તો દેશમાં ઝડપથી અજવાળું ફેલાય...

બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીનો જન્મ દિવસ છે. આંબેડકરજીએ ખૂબ જ સંઘર્ષના સમયમાં સકારાત્મક રહીને પોતાની આગવી આભા ઘડી હતી. વર્તમાન સમયે દેશ કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યો છે. આ સમયે આપણે સકારાત્મક બનીને દેશની અનોખી આભા વિસ્તારવી જરૂરી છે. આજનો દિવસ આધ્યાત્મિકતાની દૃષ્ટિએ પણ મહત્વનો છે. આજે શ્રી રમણ મહર્ષિની પુણ્યતિથિ છે. તેઓ શ્રીએ આધ્યાત્મિકતાના તેજથી ભારતને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ડો. આંબેડકર તથા શ્રી રમણ મહર્ષિને શાબ્દિક વંદના કરીને પ્રાર્થના કરીએ કે, દેશમાં આનંદના અજવાળા ફેલાય તેવી કૃપા કરો...

મધ્ય રાત્રીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અજવાળા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. યુપીના ચકચારી બળાત્કારકાંડ વિરૂદ્ધ કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી હતી. રાહુલે આ પ્રસંગે મોદી સરકાર પર પ્રહારો કરીને કહ્યું- 'બેટીઓને સુરક્ષા આપો, તેનું સન્માન જાળવો.'

કેન્ડલ માર્ચમાં જ કોંગી કાર્યકરોએ ધક્કા-મૂકી કરી હતી. ઘણી મહિલાઓ પરેશાન થઇ હતી. ખુદ રાહુલના બેન પ્રિયંકા ગાંધી કાર્યકરોની આછકલાઇના ભોગ બન્યા હતાં. પ્રિયંકાએ કાર્યકરોને આકરા શબ્દો કહેવા પડેલા.

આ ઘટના અંગે રાહુલે કંઇ ન કહ્યું. માત્ર રાહુલ ગાંધીની જ નહિ, ભારતની રાજનીતિની આ મુખ્ય સમસ્યા છે. રાજકીય પક્ષોને પોતાના અંધારા દેખાતા નથી, અન્યના અંધારા જોવા માટે કેન્ડલ લઇને નીકળી પડે છે. શાસકને વિપક્ષની નબળાઇ દેખાય અને વિપક્ષને શાસકની નબળાઇ જ નજરે પડે... યુપી બળાત્કારકાંડમાં વિપક્ષો તૂટી પડયા છે, પરંતુ અફસોસ એ છે કે, રાહુલ ગાંધી છાતી ઠોકીને કહી શકતા નથી કે- પંજાબ કે કર્ણાટકના કોંગ્રેસ શાસનમાં બળાત્કારની એક પણ ઘટના નથી બની.. હાર્દિક પટેલ ટોણો મારીને સ્મૃતિ ઇરાનીને કહે છે કે, વડાપ્રધાનને બંગડી મોકલો. આ ટોણો યોગ્ય સમયનો જ છે. સ્મૃતિએ મનમોહન સિંઘને બંગડીઓ મોકલી હતી, પરંતુ સવાલ હાર્દિકના નિવેદનનો છે. હાર્દિકને પોતાની 'સીડી'ઓ પર ગૌરવ થાય છે ?

અન્યના અંધારા જોવાની કૂટેવના કારણે દેશમાં અજવાળું થતું નથી. દરેક રાજકીય પક્ષો પોતાના પક્ષના અંધારા દૂર કરવા મિણબત્તી પ્રગટાવે તો દેશમાં ઝડપથી અજવાળું ફેલાય. ડો. બાબા સાહેબ આંબેડકરજી પોતે જ પોતાના દીપ બન્યા હતા. અન્યના અંધારે અથડાયા વગર તેઓએ અજવાળું કર્યું હતું. શ્રી રમણ મહિર્ષએ પણ અંતરમાં દીવો પ્રગટાવીને અજવાળું પાથર્યું હતું.

ભારતના રાજકારણીઓ અન્યના અંધારા દેખાડવા માટે જ કેન્ડલ માર્ચ યોજતા રહે તો લોકોએ તેની સામે 'સેન્ડલ માર્ચ'યોજીને પાઠ ભણાવવો જોઇએ. તમસો મા જયોતિર્ગમય...ની ફરજ પાડવી જરૂરી છે.

 

(10:25 am IST)