Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભાજપની વાઇબ્રન્ટ બાઘાઇ...

વિપક્ષ સામે વૈચારિક આક્રમણ કરવાને બદલે સ્માર્ટ ભાજપીઓ પ્રોપેગેન્ડામાં ફસાઇ રહ્યા છે... યોગીજીને નબળા પાડવાની વિપક્ષની ચાલમાં ભાજપ પણ ટેકેદાર બની ગયો !

પોતે હાસ્યના બેતાજ બાદશાહ ગણાવતા કપિલ શર્માની દશા 'તારક મહેતા...'ના બાઘા જેવી થઇ ગઇ છે. લાયકાત કરતા વધારે સિદ્ધિ, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ મળી જાય ત્યારે કપિલની જેમ ચસ્કી જતું હોય છે. કપિલ શર્મા મનોરંજનક્ષેત્રનો સૌથી મોટો બાઘો સાબિત થયો છે- આવા તત્વોને મહત્વ આપીને મીડિયા જગત સાબિત કરે છે કે ન્યૂઝ સેન્સનો દુષ્કાળ પ્રવર્તે છે...

કપિલ મનોરંજન ક્ષેત્રનો બાઘો બન્યો છે તે રીતે રાજકીયક્ષેત્રે ભાજપ બાઘો બનીને ઉભરી રહ્યો છે. સટીક રણનીતિ અને મીડિયા મેનેજમેન્ટનો માસ્ટર ગણાતો ભાજપ વિપક્ષની ચાલમાં બરાબર ફસાઇ ગયો છે. ભાજપી મીડિયા સેલ અને રણનીતિકારો બાઘાના હરિફ બન્યા હોય તેમ લાગે છે.

દેશમાં ચારેબાજુ ભલે ભાજપાની સત્તા રહી, પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગીજી જે રીતે કામકાજ કરે છે એ આખા દેશને નવી દિશા આપી શકે તેમ છે. યોગીજીને પાડી દેવા વિપક્ષ ખેલ નાખે એ સ્વાભાવિક છે, પરંતુ ભાજપ ખુદ વિપક્ષની ચાલમાં ભેરવાઇ જાય અને યોગીજીનું મનોબળ તોડવાની ભૂમિકા ભજવવા લાગે એ ગજબ ન ગણાય ?

તાજેતરમાં યુપીનો બળાત્કારકાંડ ગરમા-ગરમ છે. આ કાંડની તરફેણ જરા પણ ન થઇ શકે. આવો રાક્ષસીકાંડ સર્જનાર ચમરબંધીને પણ જાહેરમાં ફાંસી થવી જોઇએ... આ કાંડને થોડી દૃષ્ટિ બદલીને જુઓ. બળાત્કાર કોઇ નવી ઘટના નથી. દેશનો એક પણ ખૂણો એવો નથી કે જયાં રાક્ષસો હાહાકાર મચાવતા નથી... યુપીમાં યોગી સરકાર કોઇપણની સાડી બાર રાખ્યા વગર ગૂંડાતત્વોનો સફાયો કરે છે. ઘણાને પગે રેલા આવ્યા છે. વિપક્ષે એક બળાત્કારની ઘટનાને લઇને યોગી સરકારને ઘેરી લીધી છે. વિપક્ષે મીડિયા મેનેજમેન્ટ પણ ગજબનું કર્યું છે. યુપીનો કાંડ રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો.... વિપક્ષ ખંધુ હાસ્ય વેરે છે. ખંધી ચાલમાં તાકાતવર સરકાર આરોપીના પીંજરામાં આવી ગઇ... રાષ્ટ્રીયક્ષેત્રના ભાજપી માંધાતાઓ રાક્ષસ બનેલા ધારાસભ્ય સામે આક્રમક બનવાને બદલે યોગીજીને 'પાઠ ભણાવવા' કલાસ લેવા માંડયા. ભાજપી પ્રવકતાએ સત્તાવાર કહ્યું કે, 'યોગી સરકારથી યુપીને બચાવો !' ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ દોડયું અને યોગી સામે નારાજગી વ્યકત કરી ! આરોપી ધારાસભ્ય સામે પગલા લેવાની જરૂર છે, બેફામ બનેલા પ્રવકતાને પક્ષમાંથી ફગાવી દેવાની જરૂર છે, પણ ભાજપી નેતાઓ યોગીજીના મનોબળને તોડવા જાણ્યે-અજાણ્યે સક્રિય બન્યા હોય તેમ લાગે છે. યોગીજી સાધુ છે, પણ ભગવાન નથી, એ માણસ છે. એમનાથી ભૂલ સંભવ છે, પણ યોગીજીએ જે આક્રમકતા દાખવી છે તેવી આક્રમકતાની દેશને જરૂર છે. ચારેબાજુ ગોઠવાયેલા ભાજપી મુખ્યમંત્રીઓએ તેમાંથી પ્રેરણા લેવી જોઇએ.

માત્ર યુપી જ નહિ, વિપક્ષની ચાલમાં ભાજપ ચારેબાજુ ફસાયો છે. ભાજપનું પ્રચારતંત્ર-મીડિયા મેનેજમેન્ટ-રણનીતિ બધું જ નિષ્ફળ જતું હોય તુેમ લાગે છે. કોંગ્રેસ હિન્દુત્વના નામે આગળ વધે છે, કર્ણાટકમાં હિન્દુઓમાં ફાટા પડાવીને પણ હિન્દુઓના મત માંગવામાં સફળ થતી દેખાય છે. આ બાબત ભાજપની રણનીતિક નિષ્ફળતા અને કોંગ્રેસની રણનૈતિક સફળતા ગણાય.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં સંઘના એક સ્વયંસેકવે હિન્દુઓમાં ફાટા પડાવવાની કોંગ્રેસની ચાલ વિરૂદ્ધ આત્મવિલોપન કરીને જીવ દઇ દીધો. આ ઘટનાને ભાજપે રાષ્ટ્રીયસ્તરે ચગાવીને લાભ લઇ શકયો હતો, પરંતુ તેમાં પક્ષ બબૂચક સાબિત થયો છે, આવા અસંખ્ય મુદ્દે ફસાઇ જાય છે.

સો વાતની એક વાત મોદી સરકાર કે યોગી સરકાર એટલીબધી ખરાબ નથી, પરંતુ ભાજપીઓ કપિલ શર્માની જેમ ખુદને બબૂચક સાબિત કરવા સક્રિય બન્યા હોય તેમ સમજાય છે. આને વાઇબ્રન્ટ બાઘાઇ કહેવાય !

(10:09 am IST)