Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બ્રાન્ડ નબળી, એમ્બેસેડર મજબૂત !

સરિતા-અંકિતા ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બનીઃ બ્રાન્ડ પણ ટનાટન બનાવવી જરૂરી

ચકડોળના ચક્કરમાં તહેવારો સમયે એક મસ્તીના સમાચાર છટકી ગયા હતાં. જન્માષ્ટમીના તહેવારો પ્રસંગે એક રખડતા ગૌમાતાએ ગાંધીનગરમાં સાંસદ લીલાધર વાઘેલાને ઢીકની પ્રસાદી આપીને ધન્ય કર્યા હતાં. રાજયમાં ભાજપ સ્માર્ટના દેકારા કરે છે, પણ રખડતા ઢોર જેવો પ્રશ્ન પણ ઉકલી શકયો નથી. હવે રખડતા ઢોર પણ સ્માર્ટ બની ગયા છે.... તેમને સમજાઇ ગયું છે કે, કોને ઢીક મારવાથી આપણો પ્રશ્ન ઉકલે...

જો કે ઢોરની સ્માર્ટનેસની કોઇ અસર શાસકો કે વિપક્ષ પર નથી થઇ, પરંતુ આવી ઘટના ગુજરાતની નબળી બ્રાન્ડને ઉજાગર કરે છે. સાંસદની દશા આવી હોય તો આમજનનું શું થતું હશે ? સંવેદનશીલ સરકારની સંવેદના વિજ્ઞાપનોમાંથી બહાર નીકળતી નથી...

જો કે, ગઇકાલે સરકારે પ્રેરક નિર્ણય કર્યો. તાજેતરમાં એશિયન ગેમ્સમાં રાજયને ગૌરવ અપાવનાર ખેલાડી અંકિતા-સરિતાને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરાઇ છે. કૂપોષણ વિરોધી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર સરિતા ગાયકવાડ અને બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અંકિતા રૈના જાહેર થયા છે.

આ નિર્ણય શ્રેષ્ઠ છે, પણ રાજયની સમસ્યા વિચિત્ર છે.  બ્રાન્ડ  ખૂબ નબળી છે અને એમ્બેસેડર મજબૂત. જે સરકાર રખડતા ઢોર  જેવી ફાલતુ સમસ્યા વટથી ઉકેલી શકતી નથી, એ અન્ય મહાકાય પ્રશ્નો કેમ ઉકેલી શકે ? વાત કૂપોષણની કરીએ તો ગુજરાતમાં જુદી  સમસ્યા છે. અહીં ખાધા વગર ગુજરવા કરતા વધારે પડતું ખાઇને ગુજરી જનારાની સંખ્યા વધારે છે. ઉપરાંત ભર્યા પેટે કુપોષણના પીડિતથી ગુજરાત છલકાય છે. ખોરાકની કાચી સામગ્રી કે તૈયાર ખોરાકમાં પોષણને બદલે ઝેર વધારે છે. આ મામલે સરકારની નીતિ રખડતા ઢોર અંગે છે તેવી જ છે. પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે પોષણના ઢંઢેરા પીટવામાં શાસકોને રસ છે. કમાલ એ છે કે, આવા જીવલેણ પ્રશ્ને વિપક્ષને નિવેદનો કરવામાં પણ રસ નથી.

આવી જ દશા બેટી બચાવો, બેટી પઢાઓ... અભિયાનની છે. ગુજરાતમાં ગુન્હાખોરીનો આંક બેફામ ગતિએ વધી રહયો છે, આ અંગે સરકાર પાસે કોઇ વિશેષ રણનીતિ હોય તેમ લાગતું નથી. ગૃહ મંત્રાલય ઘરની બહાર આવતું નથી, ગૃહમંત્રી ઘરના  બચાવમાં જ વ્યસ્ત હોય તેમ લાગે છે. મગફળી મામલે બચાવ કરે છે, પરંતુ બેફામ બનેલા ગુન્હાખોરોને પડકારો પણ કરતા નથી. બેટીઓ બચાવવી હોય તો પહેલા ગુન્હાખોરોથી ગુજરાતને બચાવવું પડશે. તાકાતથી ત્રાટકવામાં કોની શરમ નડે છે?

બેટી પઢે તો છે, પરંતુ પઢવા જેવું શિક્ષણ કયાં? મોટાભાગની સરકારી શાળાઓમાં લોલમલોલ ચાલે છે અને મહા મોંઘી ખાનગી શિક્ષણ સંસ્થાઓ પોસાતી નથી... બીજી તરફ શિક્ષિત બહેનોની બેકારીનો પ્રશ્ન પણ જડબું ફાડીને ઉભો છે. વર્તમાન શિક્ષણ લાયકાત પ્રમાણે નોકરી આપતું નથી અને કોઇપણ સ્થિતિમાં જીવન આનંદપૂર્વક જીવવાનો હોંસલો પણ વધારતું નથી. શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કર્યા બાદ તેનો પ્રચાર થવો જોઇએ.

આવા મુદ્દા આવે ત્યારે રાજય સ્તરના નેતાઓ તર્ક કરે છે કે આખા દેશમાં આ સમસ્યા છે... વાત સાચી છે, પરંતુ દેશઆખો સંવેદના અને વાઇબ્રન્ટના ગોકીરા કરતો નથી. ગુજરાતે પોતાની બ્રાન્ડ સુધારવી જરૂરી છે. બ્રાન્ડ નબળી અને એમ્બેસેડર મજબુત એ કજોડા જેવું દેખાય છે. (પ-૯)

 

(11:58 am IST)