Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સોપારી ખાઇ ગયા દિગ્વીજય...!

રાહુલ ગાંધીના હિન્દુત્વની 'હવા' કાઢવા કોંગ્રેસના તત્વો જ સજ્જ હોય તેમ લાગે છે : હિન્દુ આતંકવાદ શબ્દ કોંગ્રેસને ભારે પડશે

ગઇકાલે રાહુલ ગાંધીનો જન્મ દિવસ હતો. અભિનંદન ઘણાએ આપ્યા, પરંતુ રાહુલને મળેલી બે ગિફટ ચર્ચામાં રહી. એક ગિફટ રાહુલને ગમી જાય તેવી હતી અને બીજી ગિફટ દીઠી પણ ન ગમે તેવી છે.

સુધીન્દ્ર કુલકણીએ સૌથી શ્રેષ્ઠ ગિફટ રાહુલને આપી. તેઓએ કહ્યું કે, 'નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દે નિષ્ફળ ગયા છે, હું રાહુલ ગાંધીને વડાપ્રધાનપદે જોવા ઇચ્છું છું.' સુધીન્દ્ર એક સમયે મોટી હસ્તી હતા. અટલજી સરકારમાં નાયબ વડાપ્રધાન અડવાણીજીના તેઓ સલાહકાર હતા. અડવાણીની કટ્ટરવાદી આભા બદલાવવા સુધીન્દ્રએ સલાહ આપી હતી કે, પાકિસ્તાન જઇને ઝીણાની કબરને દંડવત કરી આવો...

સુધીન્દ્રની સલાહ અડવાણી માન્યા અને અડવાણીજીની રાજકીય કારકીર્દી પૂરી થઇ ગઇ!  હાલ નવરા પડેલા સુધીન્દ્ર રાહુલના નેટવર્કમાં કામ માટે ફાંફા મારે છે. તેથી રાહુલ ગાંધીને પસંદ પડે તેવા શબ્દો ગિફટ કર્યા છે.

...પણ રાહુલને મળેલી બીજી ગિફટ કઠ તેવી છે. નિવેદન મહાશિરોમણી દિગ્વીજયસિંહે રાહુલના જન્મ દિને હિન્દુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરીને કોંગ્રેસને ફસાવી દીધી છે. દિગ્વીજય બોલ્યા- 'આતંકવાદી હિન્દુઓ મોટાભાગે આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે.' પ્રથમ નજરે આ નિવેદન સંઘની વિરૂદ્ધનું લાગે, પણ સંઘ પરિવાર અને ભાજપ માટે આવા નિવેદનો નવી તક સર્જી દે છે.

કોંગ્રેસની હિન્દુ વિરોધી છબી સુધારવા રાહુલ ગાંધી ભરચક પ્રયાસો કરે છે. હિન્દુ વિરોધી છબીના કારણે દરિયા જેવી કોંગ્રેસ ખાબોચિયા જેવી બની ગઇ છે. હિન્દુ મતમાં ફાટા પડાવીને એક ફાટો પોતાના તરફ વાળવા રણનીતિ પૂર્વક રાહુલ સક્રિય છે. આ સ્થિતિમાં હિન્દુ આતંકવાદ શબ્દ ફરીથી ઉછાળવામાં આવે તો રાહુલ ગાંધી માટે ધર્મસંકટ સર્જાઇ શકે છે.

કોંગ્રેસના નેતા દિગ્વીજયસિંહ આ બધુ ન સમજે તેવા નેતા નથી. અજાણતા ભૂલ થતી નથી. લાગે છે કે, રાહુલ ગાંધીના હિન્દુત્વની હવા કાઢવા કોંગીજનો સોપારી ખાઇ ગયા છે.

અધુરામાં પૂરૃં... ગૃહ મંત્રાલયના પૂર્વ સચીવ આરવીએસ મણિએ પણ ગઇકાલે ઘટસ્ફોટ કર્યો કે, 'યુપીએ સરકાર હતી ત્યારે ઇસ્લામિક આતંકવાદીઓને બચાવવા દિગ્વીજયસિંહે હિન્દુ આતંકવાદીની ખોટી કહાની ઘડી હતી.' આ ઘટસ્ફોટ બાદ કોંગ્રેસ ગેંગે-ફેફે થઇ ગઇ હતી. વીપરિત સ્થિતિ હતી છતાં દિગ્વીજયે હિન્દુ આતંકવાદનું ગતકડુ ચલાવ્યું.

લોકસભાની ચૂંટણીના પડધમ વાગે છે. ભાજપી મોરચાનો દેખાવ પેટાચૂંટણીઓમાં કંગાળ રહ્યો છે. હવે નવેસરથી રણનીતિ લાગૂ થઇ હોય તેમ સમજાય છે. પૂર્વ સચીવ અચાનક ભૂતકાળ વાગોળવા માંડે. દિગ્વીજયોના મોંમાં હિન્દુ આંતક જેવા શબ્દો રમવા માંડે... આ બધું જ રણનીતિનો ભાગ હોય તેમ નથી લાગતું ? રાહુલને પોતાનાથી જ બચતુ રહેવું જરૂરી લાગે છે. 'સોપારી'નો ધંધો શરૂ થઇ ગયો છે.

 

(11:34 am IST)