Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ફ્રી.. ફી મોલમાં લોલમલોલ ફ્રી !

ઝગમગતા મોલની ખાદ્ય સામગ્રી અખાદ્ય... મોલ સંચાલકોના દાવા મોટા-મોટા, પણ દશા ફૂટ પાથિયા ખાણા જેવી

ગુજરાતમાં દારૂનો મુદ્દો મસ્‍તીનો જામ્‍યો છે. પોલીસ તંત્રએ મને-કમને દારૂ પકડવો ફરજિયાત બન્‍યો છે. લોઢું ધગ્‍યું છે ત્‍યારે ઘા મારવા જેવો છે. રાજકોટમાં દારૂના દરોડા પડે છે, પરંતુ સૌરાષ્‍ટ્ર હજુ નશામાં ઝૂમે છે. ગામેગામ દારૂ વિરોધી સમિતિ બનવી જોઇએ અને અડ્ડાઓ પર દરોડા પાડવાની ઘોષણા કરવી જોઇએ. આવી સમિતિ માત્ર ઘોષણા કરે તો પણ આબરૂ બચાવવાની બીકે પોલીસે ગામે-ગામ દારૂના દરોડા પાડવા પડશે. મીડિયાએ મુદ્દો બરાબરનો પકડયો છે. લોકો આ મામલે જાગૃતિ દાખવે તો પોલીસ અને સરકાર બંનેએ પરિણામલક્ષી કાર્યવાહી કરવી ફરજિયાત બની શકે.

દારૂ આરોગ્‍ય, પરિવાર અને સમાજને બરબાદ કરી રહ્યો છે. વ્‍યાપક જાગૃતિ અનિવાર્ય છે જોકે ગુજરાતમાં ઉપલબ્‍ધ મોટાભાગની ખાદ્ય સામગ્રી દારૂ કરતા પણ વધારે નુકસાન કરી રહી છે, પરંતુ લોકજાગૃતિના અભાવે બધું ચાલે છે. ભેળસેળયુકત-અખાદ્ય સામગ્રી વેચાઇ અને ખવાઇ રહી છે. આઘાતજનક સમાચાર આવ્‍યા. શુદ્ધતા અને શ્રેષ્‍ઠતાના મોટામોટા દાવા કરી રહેલા રાજકોટના બે મોલમાંથી પણ અખાદ્ય સામગ્રી ઝડપાઇ.

મોલમાં સારૂ અને સસ્‍તુ મળે છે, તેવી લોકમાન્‍યતાને ઠેસ પહોંચે તેવા આ વાવડ છે. ઝાકમઝોળ-ફ્રી-ફ્રીના ગોકીરા કરીને લોકોને આકર્ષી રહેલા નામાંકિત મોલમાં લોલમલોલ ઉઘાડી પડી ગઇ છે. મોલમાંથી ખરીદી કરવાને પ્રતિષ્‍ઠા માનવામાં આવે છે. આવા વર્ગની આંખ ઉઘાડનારી ઘટના ગણાય.

ભારતીય બજારોમાં મોલ કલ્‍ચરે ટૂંકાગાળામાં આગવી પ્રતિષ્‍ઠા જમાવી છે. પરંપરાગત વ્‍યવસાયને ઇર્ષ્‍યા થાય તેવી પ્રગતિ મોલ કલ્‍ચરે કરી છે. પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ મોલની વાસ્‍તવિકતા ફૂટ પાથિયા વ્‍યવસાયી જેવી થશે તો લોકોનો ભરોસો તૂટતા વાર નહિ લાગે.

અખાદ્ય સામગ્રીનું વેચાણ ભારતનો અતિ ગંભીર મુદ્દો છે, પણ હકીકત એ છે કે-શાસક-વિપક્ષ-મીડિયા કે લોકો આ મુદ્દાને ગંભીર ગણતા નથી. ગમે તેવો કચરો ભારતીયોની હોજરીમાં પહોંચે છે. આ બાબતના અતિશય ગંભીર પરિણામો પણ આવ્‍યા છે. ભયાવહ રોગોએ વ્‍યાપક પ્રમાણમાં હાહકાર મચાવ્‍યો છે. અખાદ્ય સામગ્રીના વેચાણ અંગેના કાયદા કડક બનવા જરૂરી છે.

રાજકોટમાં પડકાયેલા અખાદ્ય સામગ્રીના જથ્‍થાનો નાશ કરીને અધિકારીઓએ સંતોષ માન્‍યો. મીડિયા જગતે અધિકારીઓની બહાદુરીને ખૂબ ચમકાવી, પરંતુ કોઇ સવાલ ઉઠાવતું નથી કે શહેરમાં ચારેબાજુ ભેળસેળયુકત-અખાદ્ય સામગ્રી ધૂમ વેચાય છે, અધિકારીઓ નિતિ સ્‍થાનોએ જ શા માટે પરાક્રમ કરે છે ?

ભારતનો સૌથી મોટો દુશ્‍મન સેટિંગ છે. અધિકારીઓ-શાસકો-વિપક્ષો સેટિંગના જથ્‍થાબંધના વ્‍યાપારી છે. આ કારણે ભારતીયોને લોલમલોલ ફ્રીમાં મળે છે.!

(1:43 am IST)