Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

કામ નથી કરવા, મત આપો...!

ગુજરાતમાં શાસક-વિપક્ષવચ્ચે નિષ્ફળ જવાની સ્પર્ધા : સામાન્ય લોકપ્રશ્નોમાં કોઇને રસ નથી અને મત મેળવવા ઉંધા માથે....

ગુજરાતમાં સુવિધાના વિકાસ કરતા ગુન્હાખોરીનો વિકાસ વધી ગયો છે. ગુન્હાખોરો ગુન્હાની નવી પેટર્ન અન્ય રાજયોમાંથી આયાત કરી રહ્યા છે. ગઇકાલે હથિયારધારી ગુંડાઓએ એસ.ટી. બસ હાઇજેક કરીને રૂ. ૧ કરોડ જેવી લૂંટ ચલાવી... આ ઘટના મહેસાણા પંથકમાં બની છે. ગઇકાલના અન્ય સમાચારો પણ જાણો-ભાવનગરમાં વ્યાજખોરોએ એક પરિવારને ઘરમાં પૂરી દીધો... કુતિયાણા-પોરબંદર રોડ પર રખડતી ગાયે બાઇક સવારનો ભોગ લીધો...માણાવદરના ઇન્દ્રા ગામે બોગસ મહિલા તબીબો ઝડપાયા... તારણ એ નીકળે છે કે, ગામડાથી માંડીને શહેરો સુધી ગુન્હાખોરો વિકાસ કરી રહ્યા છે. નમાલા ગૃહમંત્રાલયના કારણે ગુન્હાખોરોની હિંમત વધી ગઇ છે અને આખી બસ અપહરણ કરવા સુધી પહોંચી ગયા છે. રખડતા ઢોરના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.

ગામે-ગામ વિવિધ પ્રશ્નો છે. ગુજરાતના રાજયસ્તરના પ્રશ્નો પણ હાહાકાર મચાવે છે, પણ માહોલ એવો છે કે- સરકારને પ્રશ્નો ઉકેલવામાં રસ જ નથી. ગુજરાત સરકાર ગુન્હાખોરો સામે છાતી ઠોકીને પડકારા કેમ કરતી નથી. રખડતા ઢોર જેવા ફાલતુ મુદ્દે પણ કેમ કંઇ કરી શકતી નથી ?

વિપક્ષ સામે પણ આ સવાલો જાગે છે. લોકપ્રશ્ને રાજયવ્યાપી નિર્ણાયક લડત કેમ કોંગ્રેસ આપતી નથી ? જ્ઞાતિના ટોળા આવે ત્યારે વિધાનસભા વિપક્ષ નેતા કથ્થક કરવા લાગે છે. ગુજરાતના લોકપ્રશ્નો અંગે તેમની કોઇ ફરજ નથી ?

સ્થિતિ એવી બની ગઇ છે કે, ગુજરાતમાં શાસકો નબળા છે અને વિપક્ષ સાવ નબળો છે. નબળાઇ વધારવાની રાજકીય સ્પર્ધા જામી હોય તેમ લાગે છે. જસદણની ચૂંટણી જીતવા શાસક-વિપક્ષ મરણિયા બની ગયા છે. નેતાઓ ઉંધા માથે થઇને પ્રચાર કરે છે, પરંતુ કોઇ ભડનું છોડિયું એમ કહેતું નથી કે અમારો પક્ષ ગુજરાતના પ્રશ્નો ઉકેલવા મરી ફીટશે. હાલની ગુજરાતની રાજકીય જમાતને કામ કર્યા વગર મત જોઇએ છે. સરકાર-વિપક્ષને મત માગતા શરમ આવવી જોઇએ, પરંતુ આ બધાં શરમપ્રૂફ બની ગયા છે.

ચૂંટણી આવે ત્યારે મોટી-મોટી વાતો કરવા લાગે છે, બાદમાં સેટિંગકાંડ ઝીંબાદ. આવી નેતાગીરી ગુજરાતીઓની કમનસીબી ગણાય. ભાજપ કોંગ્રેસને તોડે છે અને કોંગ્રેસ ભાજપને તોડવાની વેતરણ કરે છે. ઉંડાણથી વિચારો તો આ બંને ભેગા મળીને ગુજરાતીઓની કમર તોડી રહ્યા છે.

ગુજરાતીઓએ આવા સમયે જાગૃત બનીને નેતાઓના નશા ઉતારવા જરૂરી છે. લોકો ધારે તો કામ કરતી સરકાર અને કામ કરતો વિપક્ષ શકય બને. લોકોની અસમજના કારણે શાસક-વિપક્ષ ન કરવાના કામ કરે છે. (૮.ર)

(10:53 am IST)