Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

નાત- ગોત્ર... વિવાદનો વિકાસ

હનુમાનજીની જાતિ અને રાહુલના ગોત્રના મુદ્દાની કોઇ વેલ્યુ નથી, પણ આ મુદ્દે દેશ ગોથે ચઢયો છે...

પાકિસ્તાનમાં બેસેલા આતંકી મસુદે ભારતને ચીમકી આપી, 'અયોધ્યામાં રામ મંદિર બનાવશો તો અમે ત્યાં બ્લાસ્ટ કરીને શહેર ફૂંકી દઇશું. ભારત સ્વતંત્ર દેશ છે. આ દેશમાં આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. મસૂદ જેવા સળી કરે તો ભારતીય મિસાઇલ એ ક્ષણે મસુદોના ઘર ફૂંકી મારવા જોઇએ. આપણે શકિતશાળી છીએ, પરંતુ લાચારી-ભય વગેરેના વ્યસની થઇ ગયા છીએ તેથી મસુદો સતત અટ્ટહાસ્ય કરતા રહે છે. આ રાષ્ટ્રની મુખ્ય સમસ્યા છે, પરંતુ તેના અંગે નિર્ણાયક પગલાં તો દૂરની બાબત, નિર્ણાયક ચિંતન પણ થતું નથી. દેશ ફાલતુ વિવાદોના નશામાં વ્યસ્ત રહે છે.

હાલમાં દેશ હનુમાનજીની જાતિ અને રાહુલ ગાંધીના ગોત્રના વિવાદનો વિકાસ કરી રહ્યો છે, આવા મુદ્દાની કોઇ વેલ્યુ નથી, પણ દેશ ગોથે ચઢયો છે એ હકીકત છે.

યુપીના મુખ્યમંત્રી યોગીજી આશાસ્પદ નેતા તરીકે ઉભરી રહ્યા છે. મહત્વના મુદ્દે તેમની નિર્ણાયક નેતાગીરીની ઝલક મળી છે. આવા નેતાએ હનુમાનજી મહારાજને દલિત ગણાવીને વિવાદનો ભડકો શરૂ કર્યો. હનુમાનજી વિરાટ ચેતના છે. જાતિ તો ઠીક, ધર્મથી પણ પર થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં માધવપુર પાસે મોચા હનુમાનજી મંદિરમાં વિદેશી સાધ્વીજી હનુમાનજીની ઉપાસના કરે છે... આવા અપાર ઉદાહરણો હોઇ શકે છે. હનુમાનજી માત્ર વૈશ્વિક નહિ, બ્રમાંડીય ચેતના છે. આવી અફાટ ઉર્જાને જાતિમાં કેદ કરવી એ ઉર્જાનું અપમાન- ડી વેલ્યુસન ગણાય. એના કરતા પણ મહત્વની બાબત એ છે કે, દેશની અન્ય સમસ્યાઓ ભૂલી જઇને નવા વિવાદો શરૂ શા માટે કરવામાં આવે છે. ફાલતુ મુદે મીડિયા પણ મુજરા કરવા લાગે છે. ટીઆરપી માટે ન્યૂઝ સેન્સ સાવ તળીયે ગઇ છે.

હનુમાનજીની જાતિની જેમ રાહુલનું ગોત્ર પણ વિવાદોમાં છે. હિન્દુ સમાજમાં ગોત્ર એ જે તે ઋષિની વંશ પરંપરા દર્શાવે છે. ગોત્ર તેની ઓળખ છે. કોંગ્રેસે બિનસાંપ્રદાયિકતાનો ઝંડો મૂકીને હિન્દુત્વનો શંખ ફૂંકવાનો શરૂ કર્યો છે. રાહુલ ખુદને હિન્દુ સાબિત કરવા હાસ્યાસ્પદ તર્કો આપે છે. પહેલા પોતાને શિવભકત જાહેર કર્યા. શિવજી પણ બ્રહ્માંડીય ચેતના છે, તેની ભકિત કોઇ પણ કરી શકે છે. રાહુલ ખુદને શિવભકત કહે તો વાંધો હોવો જ ન જોઇએ. પરંતુ ખુદને સવાયા હિન્દુ સાબિત કરીને ખુદને હાસ્યાસ્પદ બનાવી દીધા છે.

ગોત્ર પરંપરા પૈતૃક હોય છે. રાહુલ ગાંધીને પોતાના પિતા કે દાદાનું ગોત્ર લાગુ પડે, પરંતુ રાહુલે દાદીનું ગોત્ર જાહેર કર્યું.!

વાસ્તવમાં હિન્દુ-સનાતન ધર્મ માનવને મહત્વ આપે છે. રાહુલ પોતાને શિવભકત ગણાવે તે બાબત સારી હતી, પરંતુ ગોત્રની બાબતમાં તેના દાદા ફિરોઝભાઇ ગાંધીનો દબાવેલો ઇતિહાસ ઉજાગર થઇ ગયો.

જોકે, વર્તમાન યુગમાં જાતિ-ગોત્ર જેવા વિવાદોની કોઇ વેલ્યુ નથી. દેશે મસુદોની દવા કરવા પર ધ્યાન આપવું જોઇએ.

(10:32 am IST)