Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

હવા લેવી હવા...!

શુદ્ધ ઓકિસજન ઓનલાઇન... વ્યવસાયનો વિકાસ, પ્રકૃતિનો વિનાશઃ દૂધ, પાણી બાદ હવા પણ બોટલમાં !

ગઇકાલે બાબા રામદેવજીએ ગુજરાતમાં પતંજલિ પરિધાનનો પ્રારંભ કર્યો. યોગ-શિબિરથી દેશમાં લોકપ્રિય બનેલા બાબા હવે ધાનથી માંડીને પરિધાન સુધીની બજારમાં છવાઇ રહ્યા છે. પતંજલિના અનેક ઉત્પાદનો બજારમાં છે, બાબાની લોકપ્રિયતા છે તેમ તેના વિરોધીઓની પણ અછત નથી. જાહેર જીવનમાં આ બધું સ્વાભાવિક છે, પરંતુ બાબાએ ભારતીય બજારને ટર્ન આપ્યો છે. પાંચ-પાંચ દાયકાઓથી ભારતીય બજારમાં જામી ગયેલી કંપનીઓની ઉંઘ હરામ કરી દીધી છે. જાયન્ટ ગણાતી કંપનીઓ પોતાની બ્રાન્ડના ભાવ ઘટાડવા મજબૂર થઇ ગઇ છે. આ સિદ્ધિ અસામાન્ય ગણાય.

ટૂથપેસ્ટથી માંડીને સાબુ જેવી વસ્તુઓમાં દાયકાઓથી એકચક્રી શાસન ભોગવતી કંપનીઓ પતંજલિના આગમન બાદ ખુદનું અસ્તિત્વ જાળવવા આયુર્વેદના રવાડે ચઢવું પડે અને કિંમતોની સ્પર્ધામાં ઝંપલાવવું પડે એ સામાન્ય વાત નથી. બાબાની પ્રોડકટ ગમે તેવી હોય, પણ બજારમાં હલચલ મચાવીને ગ્રાહકોને ફાયદો કરાવ્યો એ હકીકત છે.

દરેક ક્ષેત્રે સમયાનુસાર નવા વિચારની અનિવાર્યતા રહેલી છે. આઝાદી બાદ ભારત પશ્ચિમી રાષ્ટ્રોના વિકાસ મોડેલના રવાડે ચઢયો. વિકાસ થયો જ છે, પરંતુ આપણી પ્રકૃતિક વિશેષતાઓનો મહાવિનાશ થઇ રહ્યો છે. એક ન્યૂઝ ગ્રુપે ગઇકાલે વિશિષ્ટ પ્રકારની પ્રોડકટની સ્ટોરી પ્રસારિત કરી હતી, જે મુજબ ભારતમાં હવાનો વ્યવસાય વિસ્તરી રહ્યો છે એ પણ ઓનલાઇન ! દૂધ પાણી બાદ શુદ્ધ શ્વાસ પણ બોટલબંધ ઉપલબ્ધ બન્યો છે.

સ્ટોરી પ્રમાણે અમદાવાદમાં રૂ. પપ૦ની તાજી હવાની બોટલ ઘરબેઠા પહોંચે છે, જે બોટલમાંથી ૧૬૦ વખત શ્વાસ લઇ શકાય છે. હવા-પાણી-ખોરાક જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. આ ત્રણેય પ્રકૃતિએ ભરપૂર અને નિઃશુલ્ક આપ્યા છે. વિકાસની લ્હાયમાં આ ત્રણેય અશુદ્ધ થવા લાગ્યા. પહેલા દૂર પેકીંગમાં શરૂ થયું, બાદ શુદ્ધ પાણીની બોટલ આવી, હવે શુદ્ધ હવા...

જે પ્રકૃતિએ ભરપૂર અને વિનામૂલ્યે આપ્યું હતું તેની શુદ્ધતાનો વ્યવસાય વિકસી રહ્યો છે આવા વ્યવસાયનો વિકાસ પ્રકૃતિના વિનાશની સાબિતી ન ગણી શકાય ? સાવ ફાલતુ મુદ્દે સમાજના ચિંતકો, વિચારકો, બુદ્ધિજીવીઓ, સરકાર, વિપક્ષ સતત બકવાસ કરતા રહે છે, પરંતુ મહાવિનાશકારી મુદ્દા અંગે કોઇને કંઇ પડી નથી.

ગામોમાં સરકાર અને સેવાભાવી ઉદ્યોગકારો વોટર ફિલ્ટર પ્લાન્ટ્સ ગોઠવે છે, ગામના લોકો ખુશ થઇ જાય છે. વાસ્તવમાં આ ખુશીનો પ્રસંગ નથી. ગ્રામજનોએ કહેવું જોઇએ, અમારે ફિલ્ટર પ્લાન્ટની જરૂર નથી. ગામને પાદર વહેતી હતી એ શુદ્ધ પાણીની નદી અમને પરત આપો.

લોકજાગૃતિના અભાવે જે કુદરતે ભરપૂર-નિઃશબ્દ આપ્યું હતું તેની કિંમત ચૂકવવા માંડયા છીએ.  બોટલબંધ મોંઘુદાટ પાણી કે હવાની શુદ્ધતાની કોઇ ગેરન્ટી નથી. લોકોએ કહેવું જ પડશે, વિનાશકારી વિકાસને બ્રેક મારો... આવું નહિ કરો તો ભવિષ્યમાં શ્વાસ લીધા વગર ગુજરી જવા તૈયાર રહેવું પડશે. હવા વેચાતી લઇને કેટલા દિવસ શ્વાસ લઇ શકશો ? (૮.ર)

(11:33 am IST)