Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

દેશી ફાવશે કે વિદેશી !

સ્વદેશી વિચાર ઉત્તમ છે, પરંતુ સમજદારી અનિવાર્ય છે : સમજ વગરનો વિચાર અંધાધુંધીથી વિશેષ કંઇ નથી

ક્રિકેટમાંથી રાજનીતિમાં પ્રવેશેલા નવજયોતસિંહ સિદ્ધુ વારંવાર હીટવિકેટ થઇ રહ્યા છે. સિદ્ધુનો ઇમરાન અને પાકિસ્તાન પ્રેમ કોંગ્રેસને પરેશાન કરી રહ્યો છે. ઇમરાનના શપથમાં જઇને વિવાદ સર્જ્યો હતો. હવે ફરી પાકિસ્તાન જવાનું ભૂર ઉપડયું છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન સાથે સિદ્ધુને આ મામલે જીભાજોડી થઇ ગઇ, પરંતુ સિદ્ધુ ટસના મસ થવાના મૂડમાં હોય તેમ લાગતું નથી.

આ બધું જોઇને પાકિસ્તાન ખંધુ હાસ્ય કરતું હશે. ભારતને વિદેશીપ્રેમ ખૂબ પરેશાન કરી રહ્યો છે. આજે સ્વદેશી આંદોલનના પ્રણેતા રાજીવ દીક્ષિતની પુણ્યતિથિ છે. ૩૦/૧૧/ર૦૧૦ના રોજ રાજીવજીનું નિધન થયું હતું. તેઓએ દેશભરમાં સ્વદેશી ચળવળ જગાવી હતી, જેના પરિણામો પણ મળ્યા છે. રાજીવજી માહિતીના ભંડાર હતા, તેઓની વૃત્તિ શુદ્ધ અને સમજદારીભરી હતી. જોકે આવી ચળવળોને અનુસરનારા મોટાભાગના લોકો માત્ર વૈચારિક પ્રભાવમાં આવીને લગભગ કટ્ટર જેવા બની જાય છે.

કોઇ પણ મામલે કટ્ટરતા નુકસાન કરે છે. આજના સમયમાં ચીન ભારત માટે માથાનો દુઃખાવો બની ગયું છે. પાકિસ્તાનને ચીનનું પીઠબળ મળેલુ છે. વિચિત્રતા એ છે કે, ચીનનું ૩૦ ટકા અર્થતંત્ર ભારતની બજાર પર નિર્ભર છે. ચીનના ઉત્પાદનો ભારતીય બજારમાં ધૂમ મચાવે છે. ભારત ચીન પર આર્થિક પ્રતિબંધ લગાવીને તેનું ગળુ દાબી શકે છે. સોશ્યલ મીડિયામાં ઘણા આ અંગે અવારનવાર ઝૂંબેશ ચલાવી રહ્યા છે.

અમેરિકાનો અભ્યાસ કરો તો પણ આવું તારણ જ નીકળે છે કે ભારતની બજાર કોઇપણ દેશના અર્થતંત્રને ડામાડોળ કરવા સક્ષમ છે. આ બધું જ સાચું લાગતું હોવા છતાં સંપૂર્ણ વિદેશીકરણ શકય નથી. પ્રકૃતિએ દરેક દેશને વૈવિધ્ય-વિશેષતા આપી છે. બધાં દેશોને એક-બીજાની જરૂર છે.

સ્વદેશી બાબતે કટ્ટરતાને બદલે સમજની વધારે જરૂરત છે બને ત્યાં સુધી સ્વદેશી જેવો વિચાર ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત સ્વદેશીમાં પણ ઉચ્ચ ગુણવત્તા અને વ્યાજબી દામનો માહોલ સર્જાવો જરૂરી છે, નહિ તો ઓર્ગેનિક જેવું થઇ શકે છે.

ઝેરી દવાવાળા અનાજ-શાકભાજી વિરૂદ્ધ જોરશોરથી પ્રચાર ચાલે છે. આ સામે ભારતમાં ઓર્ગેનિક બજાર વિકસ્યું છે. તકલીફ એ છે કે, મોટાભાગે ઓર્ગેનિકના નામે મામા બનાવવાના ધંધા શરૂ થઇ ગયા છે. ઓર્ગેનિક ખાદ્ય સામગ્રીના ભાવ પણ હદઉપરાંત વધારે જોવા મળે છે આવો માહોલ પણ બજારના કે ગ્રાહકોના હિતમાં નથી.

કૃષિક્ષેત્રે દવા-ખાતર મોંઘાદાટ છે, બિયારણ પણ હાજા ગગડાવે તેટલું મોંઘુ છે. આ સામે ઝીરો બજેટ ખેતીનો પ્રચાર કરીને ઓર્ગેનિક ઉત્પાદન લીધાના દાવા થાય છે, આવી ઓર્ગેનિક વસ્તુ ખૂબ મોંઘી હોય છે. સવાલ એ થાય કે, ખેતીમાં ઝીરો બજેટ છે, તો તેનું ઉત્પાદન રાસાયણિક મોંઘીદાટ ખેતીથી થતા ઉત્પાદનથી સસ્તુ હોવું જોઇએ, પણ લગભગ દોઢ કે બમણી કિંમતે ઓર્ગેનિક વસ્તુ વેચાય છે.

આ રીતે વિદેશી વસ્તુ વિરૂદ્ધ પ્રચારનો ગેરલાભ લઇ નફાખોરો સ્વદેશી બજારમાં ઘુસી જાય તો ગ્રાહકોને જ નુકસાન થઇ શકે છે. સમજ વગરનો વિચાર અંધાધુંધી સર્જી શકે છે. સમજનો કોઇ વિકલ્પ નથી. (૮.ર)

(11:53 am IST)