Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

સારથી વગરનું પાંડવોનું ટોળુ !

કોંગ્રેસના અધિવેશનમાં મોદી-શાહ જ છવાયા : રાહુલે કોંગીજનોને પાંડવ ગણાવ્‍યા, પરંતુ સારથી...

II ૐ ઐં  હ્રીં લીંગ ચામુંડાયે વિચ્‍ચે II

ગઇકાલથી ચૈત્રી નવરાત્રીનો મંગલારંભ થયો છે. શકિતની સાધનાના આ દિવ્‍ય પર્વે મહાઉર્જાને સાક્ષાત દંડવત કરીને પ્રાર્થના કરીએ કે, દેશનું કલ્‍યાણ થાય તેવી કૃપા કરો...

પ્રથમ નવરાત્રીએ ભારતીય મીડિયામાં મહાભારતના પાત્રો છવાયેલાં રહ્યા. મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસનું મહાઅધિવેશન ચાલી રહ્યું છે, જેમાં દેશની વિવિધ સમસ્‍યાઓ, પક્ષની રણનીતિ વગેરે અંગે ઉંડુ ચિંતન થાય તેવું અનુમાન હતું, પરંતુ અધિવેશનમાં રવિવાર સુધી મોદી અને શાહ જ છવાયેલા રહ્યા ! આ બંને વ્‍યકિતત્‍વનો કેટલો પ્રભાવ છે એ કોંગીજનોના ભાષણોમાંથી જાણી શકાય છે દરેક વકતાઓ બે વ્‍યકિત કેન્‍દ્રિત જ રહ્યા...

કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ ઉત્‍સાહમાં આવી જઇને કોંગ્રેસને પાંડવો અને ભાજપને કૌરવ ગણાવી દીધા. રાહુલજીના નેતૃત્‍વમાં કોંગ્રેસનું ઐતિહાસિક પતન થયું છે એ હકીકત છે. આ સ્‍થિતિમાં કોંગ્રેસે વૈચારિક શીર્ષાસન કર્યું છે. બિનસાંપ્રદાયિકતાનું કટાઇ ગયેલુ વાજું વગાડવાનું બંધ કરીને હિન્‍દુત્‍વનો રાગ આલાપ્‍યો છે. પરિવર્તન આવકાર્ય છે, રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે, પરંતુ મંઝીલ ખૂબ દૂર છે અને આકરી કસોટી બાકી છે.

તટસ્‍થ રહીને ચિંતન કરીએ તો કોંગ્રેસના અધિવેશનમાં એક માત્ર વકતા નવજયોતિસિંહ સિદ્ધુના વકતવ્‍યમાં જોમ-જુસ્‍સો હતા. બાકીના વકતાઓએ તો છ મહિનાથી વાગતી કેસેટ જ વગાડી હતી. દેશને મજબૂત શાસકની જેમ તાકાતવર વિપક્ષની પણ જરૂરત હોય છે. કોંગ્રેસ હજુ સુધી આ ભૂમિકા ભાજપવી શકી નથી. હાલ દેશ અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલો છે, કોંગ્રેસે પાંડવોની ભૂમિકા ભજવવી જરૂરી છે.

... પણ પાંડવો એકલાહાથે લડવા શકિતમાન ન હતા. યુદ્ધ પાંડવોએ નહિ, તેના સારથીએ જીત્‍યું હતું. રાહુલે મહાભારતી કથા વાંચી હોત તો ખ્‍યાલ આવત કે, કૃષ્‍ણ વગર પાંડવની કોઇ જ વેલ્‍યુ નથી. પાંડવ પાસે કૃષ્‍ણ નામના સારથી હતા, જે યુદ્ધમાં મેન ઓફ ધ મેચ થયા હતા. કોંગ્રેસ પાસે રાહુલ નામના સારથી છે, જે સળંગ ર૯ ચૂંટણીઓ હારવાનો ભયાનક વિક્રમ ધરાવે છે. આવા સારથીના માર્ગદર્શનમાં કોંગી પાંડવોએ યુદ્ધ ખેલવાનું છે !

અમેરિકાની એક બ્રાંન્‍ડિંગ એજન્‍સી મળી ગઇ છે, જે રાહુલને અપ કરે છે, આ એજન્‍સીના લહિયાઓના મગજમાં મોદિત્‍વ મોદિત્‍વ ઘુસી ગયું છે. આ એજન્‍સી રાહુલને ઉપસાવવાને બદલે મોદીને પાડી દેવા ધંધે લાગી હોય તેમ લાગે છે. ભાજપ નબળો પડી રહ્યો છે, પરંતુ તેના વિકલ્‍પ તરીકે કોંગ્રેસ ઉભરી શકતી નથી. આ મામલે કોંગ્રેસના રણનીતિકારોએ ગંભીર બનવું જરૂરી છે. મહાભારતમાં કૃષ્‍ણએ યુદ્ધ જીતીને પાંડવોને સ્‍થાપિત કર્યા હતા. કોંગ્રેસની તકલીફ એ છે કે, બિચારા પાંડવોએ શહીદી વ્‍હોરીને સારથીને સ્‍થાપિત કરવા મથવું પડે છે. !

(9:46 am IST)