Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ટી-૨૦ સિરીઝ માટે પાકિસ્તાન પહોંચી વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ

૧૫ વર્ષ બાદ એશિયા બહારની કોઈ ટીમ કરાચીમાં રમશે ત્રણ મેચોની શ્રેણી

પાકિસ્તાન સાથે ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ ગઈ કાલે કરાચી પહોંચી હતી. છેલ્લાં ૧૫ વર્ષમાં પહેલી વખત એશિયા બહારની કોઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. કરાચી પહોંચનાર ૧૩ સભ્યોની ટીમમાં કેપ્ટન મરિસા એગુલિયરા અને સપોર્ટ સ્ટાફ પણ છે. નિયમિત કેપ્ટન સ્ટેફની ટેલરે સુરક્ષાનાં કારણોસર આવવાની ના પાડી દીધી હતી. છેલ્લે ૨૦૧૫માં બંગલા દેશની મહિલા ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કોઈ પણ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જતી નથી.કરાચી પહોંચતાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના અધિકારીઓએ મહિલા ટીમનું શાનદાર સ્વાગત કર્યું હતું. ૫૦૦ પોલીસ કર્મચારીઓની ટીમે એરપોર્ટથી હોટેલ સુધીના રસ્તા પર સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. ટીમની સુરક્ષા માટે બુલેટપ્રૂફ બસ પણ આપવામાં આવી હતી. ટીમે કરાચીના બિચની મુલાકાત લીધી હતી.

(3:25 pm IST)