Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સિંગાપોર ક્રિકેટ ટીમે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી રચ્યો ઇતિહાસ

ઝિમ્બાબ્વેનાં કેપ્ટન શોન વિલિયમ્સે 66 રણ ફટકાર્યા

સિંગાપોરે ઇતિહાસ રચ્યો છે યજમાનોએ ઝિમ્બાબ્વેને ચાર રનથી હરાવી આઈસીસીનાં પૂર્ણ સભ્ય દેશ વિરુદ્ધ પ્રથમ વખત જીત મેળવી હતી. વરસાદને કારણે આ મેચ 18 ઓવરની કરવામા આવી હતી. સિંગાપોર પ્રથમ બેટિંગ કરી અને 18 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા. સિંગાપુરનાં કોઈ પણ બેટ્સમેને અડધી સદી ફટકારી નહોતી, પરંતુ તેના ખેલાડીઓએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા માટે ઉપયોગી યોગદાન આપ્યું હતું.

સિંગાપુરની શરૂઆત રોહન રંગરાજન (39) અને સુરેન્દ્રન ચંદ્રમોહન (23) ની 62 રનની ભાગીદારીથી થઈ હતી. રોહને પોતાની વિકેટ રનઆઉટ થઇને ગુમાવી હતી. ત્યારબાદ ટિમ ડેવિડ (41) અને મનપ્રીત સિંહે (41)ની નોંધપાત્ર ઇનિંગ્સ રમી અને ટીમને 181 રનનાં વિશાળ સ્કોર પર પહોંચાડ્યો. ઝિમ્બાબ્વે તરફથી રેયાલ બર્લે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. રિચર્ડ ગરાવાને બે સફળતા મળી જ્યારે નેવિલ મદજિવા અને શોન વિલિયમ્સને એક-એક સફળતા મળી.

182 રનનાં લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત બહુ સારી નહોતી રહી. ઓપનર બ્રાયન ચારી (2)ને અમજદ મહેબૂબે પોતાનો શિકાર બનાવ્યો હતો. અમજદે પોતાની બોલિંગમાં ચારીનો કેચ પકડ્યો હતો. અહીંથી ઝિમ્બાબ્વેનાં કેપ્ટન શોન વિલિયમ્સ (66) અને રેગિસ ચકબાવા (48) એ મેદાનમાં ટકી રન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે 41 રન જોડ્યા અને ટીમને 50 રનથી આગળ કરી દીધી. તેની અડધી સદીથી ચકબાવા ફક્ત બે રનથી ચુકી ગયો હતો. તેની વિકેટ વિજયકુમારે લીધી હતી.

અહીંથી, વિલિયમ્સે ટિનોટેન્ડા મુટુમ્બોડજી (32)ની સાથે મળી ઝિમ્બાબ્વેની ઇનિગ્સ વધારી. બંનેએ ત્રીજી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી મહેમાન ટીમને વિજયની નજીક લાવી હતી. પરંતુ અહીં સિંગાપોર જોરદાર વાપસી કરી હતી. મુટુમ્બોડજીને અચારે આઉટ કરી ઝિમ્બાબ્વેને મોટો ઝટકો આપ્યો હતો. સ્કોરમાં 21 રન થયા જ હતા કે અમજદ મહેબૂબે સિંગાપુરને સૌથી મોટી સફળતા અપાવી હતી. તેણે ઝિમ્બાબ્વેનાં કેપ્ટન શોન વિલિયમ્સને ચંદ્રમોહનનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડાબા હાથનાં બેટ્સમેને 35 બોલમાં પાંચ ચોક્કા અને પાંચ સિક્સરની મદદથી 66 રન બનાવ્યા હતા.

(9:52 pm IST)