Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ટીમ ઇન્‍ડિયાના સ્‍પિનરો સામે વિન્‍ડીઝના બેટરો લાચાર

ભારતનો ૬૮ રને જબરદસ્‍ત વિજયઃ સોમવારે સાંજે ૮ વાગ્‍યાથી બીજો ટી-૨૦ : રોહિત (૬૪) અને કાર્તિક (૪૧)ની સ્‍ફોટક ઇનિંગ બાદ અશ્વિન, બિશ્નોઇ,જાડેજા અને અર્શદીપની ધારદાર બેટીંગ

નવી દિલ્‍હી : ટીમ ઇન્‍ડિયાએ ત્રિનિદાદના બ્રાયન લારા સ્‍ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-૨૦માં વેસ્‍ટ ઇન્‍ડિઝને ૬૮ રનથી હરાવ્‍યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરીને વેસ્‍ટ ઇન્‍ડિઝને ૧૯૧ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો જેના જવાબમાં વેસ્‍ટ ઇન્‍ડિઝની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ૧૨૨ રન જ બનાવી શકી હતી. વેસ્‍ટ ઇન્‍ડિઝના પાવર હિટર બેટ્‍સમેનો ભારતીય સ્‍પિનરો સામે લાચાર દેખાતા હતા. આર. અશ્વિને તેની ચાર ઓવરમાં માત્ર ૨૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ યુવા બોલર રવિ બિશ્નોઇએ ચાર ઓવરમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી હતી. આ સિવાય રવિન્‍દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી.

ભારત તરફથી મળેલા ૧૯૧ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમને ઓપનર કાયલ મેયર્સે તોફાની શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ૬ બોલમાં ૧૫ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તેણે બે ચોગ્‍ગા અને એક સિકસ ફટકારી હતી. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો જેસન હોલ્‍ડર ખાતું ખોલાવ્‍યા વગર જ પેવેલિયન પરત કર્યો હતો. આ પછી શમરાહ બુકસ૧૫ બોલમાં ૨૦ અને કેપ્‍ટન નિકોલસ પૂરન ૧૫ બોલમાં ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. અહીથી ટીમ ઇન્‍ડિયાની જીત નિヘતિ થઇ ગઇ હતી. વેસ્‍ટ ઇન્‍ડિઝના પાવર હિટર ભારતીય સ્‍પિનરો સામે મોટા શોટ રમવામાં નિષ્‍ફળ રહ્યા હતા.

આ પહેલા કેપ્‍ટન રોહિત શર્મા એ ૪૪ બોલમાં ૬૪ અને અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિકે માત્ર ૧૯ બોલમાં અણનમ ૪૧ રન ફટકારી ૧૯૦ રનનો મહાજુમલો ખડકી દીધો હતો. હવે સિરીઝનો બીજો ટી-૨૦ ૧ ઓગષ્‍ટના સોમવારે રમાશે.

(2:59 pm IST)