Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

આઇસીસી પુરૂષ ક્રિકેટ વર્લ્‍ડકપ સુપર લીગ મેચનો પ્રારંભઃ ઇંગ્‍લેન્‍ડની ટીમ આયર્લેન્‍ડ વિરૂદ્ધ 3 વન-ડે મેચોની સિરીઝની યજમાની કરશે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ વિરુદ્ધ (30 જુલાઈ)થી શરૂ થનારી ત્રણ વનડે મેચોની સિરીઝની યજમાની કરશે. સિરીઝની પ્રથમ મેચ સાઉથેમ્પ્ટનમાં ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે શરૂ થશે. આ મુકાબલાની સાથે આઈસીસી પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો પ્રારંભ થઈ જશે. સિરીઝની ત્રણેય મેચ જૈવિક રૂપથી સુરક્ષિત વાતાવરણ વચ્ચે ખાલી સ્ટેડિયમમાં રમાશે. જેનું આયોજન 30 જુલાઈ, 1 અને 4 ઓગસ્ટે થશે. આવો જાણીએ આ ટૂર્નામેન્ટ વિશે..

..... સાવ નવી વનડે સ્પર્ધા

ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ સાવ નવી વનડે સ્પર્ધા છે, જે આગામી બે વર્ષ સુધી ચાલશે. આઈસીસીએ સોમવારે ક્રિકેટ વર્લ્ડ સુપર લીગની શરૂઆત કરી હતી. જેમાં 2023મા રમાનાર પુરૂષ વિશ્વકપમાં ભાગ લેનાર ટીમોનો નિર્ણય થશે. સુરત લીગનો પ્રારંભ વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે 30 જુલાઈથી શરૂ થનારી સિરીઝની સાથે થશે.

સુપર લીગમાં 13 ટીમો લેશે ભાગ

વર્લ્ડ કપ સુપર લીગમાં 13 ટીમો ભાગ લેશે, જેમાં આઈસીસીના 12 પૂર્ણ સભ્ય અને નેધરલેન્ડ સામેલ છે. હકીકતમાં નેધરલેન્ડે વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ 2015-17 જીતીને લીગમાં જગ્યા બનાવી છે. યજમાન ભારત અને ટોપ સાત ટીમોને વર્લ્ડ કપ માટે સીધો પ્રવેશ મળશે.

જો પાંચ ટીમો સુપર લીગથી સીધી ક્વોલિફાઇ કરવામાં સફળ થશે નહીં, તે ક્વોલિફાયર 2023મા પાંચ એસોસિએટ ટીમોની સાથે રમશે. તેમાંથી બે ટીમો તે વર્ષે ભારતમાં રમાનાર 10 ટીમોના વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરશે.

ટીમોને જીતવા પર મળશે 10 પોઈન્ટ

સુપર લીગમાં પ્રત્યેક ટીમ ત્રણ મેચોની ચાર સિરીઝ સ્વદેશ અને ચાર વિદેશની ધરતી પર રમશે. પ્રત્યેક ટીમને જીત માટે 10 પોઈન્ટ મળશે. જ્યારે મેચ ટાઈ, રદ્દ થવા પર બંન્ને ટીમને પાંચ-પાંચ પોઈન્ટ મળશે. હાર માટે કોઈ પોઈન્ટ મળશે નહીં. ટીમોની રેન્કિંગ આઠ સિરીઝમાં મળેલા પોઈન્ટના આધારે નક્કી કરવામાં આવશે. બે કે તેથી વધુ ટીમોના સમાન પોઈન્ટ હોવા પર સ્થાન નક્કી કરવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે.

શું બધી વનડે હવે સુપર લીગ હેઠળ રમાશે?

નહીં, ટીમો સુપર લીગ સિવાય પણ એક-બીજા વચ્ચે દ્વિપક્ષીય વનડે મેચ રમશે. કેટલાક મામલામાં તે એક સિરીઝમાં ચાર કે પાંચ મેચ રમી શકે છે, પરંતુ માત્ર ત્રણ પૂર્વ-નિર્ધારિત મેચોને સુપર લીગના પોઈન્ટ માટે ગણવામાં આવશે. બધી એકદિવસીય મેચોમાં  ICC ODI ટીમ રેન્કિંગની ગણના જારી રહેશે.

આઈસીસીએ જાહેરાત કરી છે કે બધા ફ્રંટ ફુટ નો-બોલનો નિર્ણય થર્ડ અમ્પાયર કરશે. સાથે સ્લો ઓવર રેટ માટે પોઈન્ટ ઘટાડવામાં આવશે.

આ પણ જાણો

સુપર લીગ 1 મે 2020થી શરૂ થવાની હતી, જેનું સમાપન 31 માર્ચ 2022ના થવાનું હતું. કોવિડ-19 મહામારીને કારણે કેટલીક સિરીઝને સ્થગિત કરવી પડી જેમાં નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ પણ સામેલ છે. આવનારા દિવસો માટે અન્ય સિરીઝ માટે ચર્ચા ચાલી રહી છે. 2023મા ભારતમાં પ્રસ્તાવિત વિશ્વકપ માર્ચ-એપ્રિલની જગ્યાએ નવેમ્બરમાં રમાશે. જેથી ક્વોલિફાઇંગ પ્રક્રિયાને સમય મળી શકે.

(4:44 pm IST)