Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વર્લ્ડ ટૂર ફાઈનલ્સમાં વિજયી દેખાવ કરવાનો મારો વિશ્વાસ :પીવી સિંધુ

નવી દિલ્હી: ભારતની ટોચની બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુએ ચીનમાં યોજાનારી સિઝનની આખરી અને એલીટ ટુર્નામેન્ટ - વર્લ્ડ ટૂર ફાઈનલ્સમાં વિજયી દેખાવ કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સિંધુએ કહ્યું છે કે, મેં વર્લ્ડ ટૂર ફાઈનલ્સની તૈયારી માટે સઇદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું માંડી વાળ્યું હતુ. ચીનના ગ્વાંગઝૂમાં તારીખ ૧૨મી ડિસેમ્બરથી સિઝનના આખરી અને એલિટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનારી ખેલાડીઓને એન્ટ્રી આપવામાં આવે છે. ગત વર્ષે દુબઈમાં યોજાયેલી સિઝનની આખરી અને એલિટ ટુર્નામેન્ટમાં સિંધુએ ફાઈનલ સુધીની સફર ખેડી હતી. ચીનમાં યોજાઈ રહેલી ટુર્નામેન્ટની ઈનામી રકમ ૧૫ લાખ ડોલર છે. ભારતીય બેડમિંટન ખેલાડી સિંધુ ત્રીજી વખત આ ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થઈ છે. સિંધુએ કહ્યું કે, આ વખતે મેં તનાવમુક્ત થઈને પ્રેક્ટિસ માટે પુરતો સમય આપ્યો છે. હું સિઝનની આખરી ટુર્નામેન્ટમાં વિજયી દેખાવ કરવા માટે ઉત્સુક છું. સિંધુએ ચાલુ વર્ષે જબરજસ્ત પર્ફોમન્સ આપતાં કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશીપ એમ ત્રણ મેજર ઈવેન્ટ્સની ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને તેમાં તે રનર્સ અપ રહી હતી. ચાલુ વર્ષે સિંધુ પાંચ ફાઈનલમાં હારી ચૂકી છે. તેણે કહ્યું કે, શાનદાર દેખાવ સાથે ફાઈનલમાં પ્રવેશીને હારવું ખરેખર નિરાશાજનક છે. મારા માટે હારને પચાવવી મુશ્કેલ રહી છે અને હું મારી રમતને વધુ સારી બનાવવા માટે પ્રેક્ટિસ કરતી રહી છું. સિઝન એન્ડિંગ ફાઈનલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતી ચાઈનીઝ તાઈપેઈની તાઈ ત્ઝુ યીંગ પણ ભાગ લેશે. તેની સામે સિંધુ સતત છ મેચ હારી ચૂકી છે. જોકે સિંધુએ કહ્યું કે, બેડમિંટનમાં ભૂતકાળના રેકોર્ડનો કોઈ મતલબ નથી. મેં આ ટુર્નામેન્ટમાં સારા દેખાવ માટે તૈયારી કરી છે અને હું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવા માટે સજ્જ છું. 

(6:18 pm IST)