Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

અશ્ર્વિન વિશ્ર્વમાં હાલ શ્રેષ્ઠ સ્પિનર છે: મુરલીધરન

નવી દિલ્હી: શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનનું માનવું છે કે ભારતનો રવિચંદ્રન અશ્ર્વિન હાલ વિશ્ર્વમાં શ્રેષ્ઠ સ્પિન બૉલર છે અને બૉલિંગમાં તેની સિદ્ધિઓ તેની મહાનતાનો પુરાવો આપે છે.

અશ્ર્વિન ભારતે શ્રીલંકા સામે નાગપુરમાં જીતેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ૩૦૦ વિકેટ લેનાર સૌથી ઝડપી બૉલર બન્યો હતો. તેણે આ ૩૦૦ ટેસ્ટ વિકેટ તેની કારકિર્દીની ૫૪મી ટેસ્ટમાં પૂરી કરવા સાથે ડેનિસ લિલી (૫૫ ટેસ્ટ)નો ૧૯૮૧માં સ્થપાયેલ વિક્રમ તોડ્યો હતો. પોતાની ૧૩૩ ટેસ્ટ મેચની કારકિર્દીમાં ૮૦૦ વિકેટ ઝડપેલ મુરલીધરને ૩૧ વર્ષના અશ્ર્વિનને અભિનંદન આપતા કહ્યું હતું કે આ તેની ઘણી મોટી સિદ્ધિ છે અને ચોક્કસપણે તે વિશ્ર્વમાં હાલ શ્રેષ્ઠ સ્પિનર છે. લિલીનો વિક્રમ ઓળંગવામાં ૩૬ વર્ષનો સમય લાગ્યો હતો.

મુરલીધરને તેની ૩૦૦ વિકેટ ૫૮ ટેસ્ટમાં પૂરી કરી હતી અને આ સિદ્ધિ મેળવનાર અન્ય બૉલર છે રિચર્ડ હેડલી, માલ્કમ માર્શલ અને ડેલ સ્ટેન (બધા ૬૧ ટેસ્ટ). અશ્ર્વિને ૧૧૧ વન-ડે મેચમાં રમી ૧૫૦ વિકેટ પણ લીધી છે.

 

(9:04 am IST)