Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

પોતાના ખેલાડીઓ માટે વધુ હિસ્સાની રકમ માટે કેપ્ટન કોહલીની માગણી

નવી દિલ્હી: ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આ અઠવાડિયે કોન્ટ્રાક્ટ માટે થનારી મંત્રણા પૂર્વે રાષ્ટ્રની વધતી જતી ક્રિકેટ સંપત્તિમાંથી ખેલાડીઓ માટે મોટા હિસ્સાની માગણી કરી છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. ટોચના ખેલાડીઓ માટે આ વર્ષે મૂળ કરારની રકમ ૩૦૦,૦૦૦ ડૉલર જેટલી બમણી થઈ હતી.

પણ, બી.સી.સી.આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) જોડે નવી દિલ્હીમાં આ બાબતમાં મંત્રણા કરનાર ભારતીય ટીમ ગયા સપ્ટેમ્બરમાં ટેલિવિઝન પ્રસારણ માટે થયેલા મોટા પ્રમાણમાં નવા કરાર પછી વધુ રકમની માગણી કરી રહી છે.
બી.સી.સી.આઈ.ને ૨૦૧૮-૨૦૨૨ સુધી આઈ.પી.એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની મેચોના પ્રસારણમાંથી સ્ટાર ઈન્ડિયા ચેનલ તરફથી ૨.૫ અબજ ડૉલર મળનાર છે.
ખેલાડીઓના કોન્ટ્રાક્ટ ૩૦મી સપ્ટેમ્બરે પૂરા થયા હતા અને તેઓના પગારની રકમ મંત્રણાનો એક મુખ્ય હિસ્સો છે.

પોતાનું નામ ન જાહેર કરવાની શરતે ક્રિકેટ બૉર્ડના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ખેલાડીઓને રકમમાં વધારો જોઈએ છે અને કોહલી ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તથા ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રી જોડે બી.સી.સી.આઈ. જોડેની મંત્રણામાં આગેવાની લેશે. તેઓ ક્રિકેટ બૉર્ડના એડ્મિનિસ્ટ્રેટર વિનોદ રાયને નવી દિલ્હીમાં મળશે અને પગાર ઉપરાંત, ક્રિકેટના ભરચક કાર્યક્રમ માટે પણ ચર્ચા કરશે કે જેની પણ કોહલીએ ટીકા કરી છે.

રાય સુપ્રીમ કોર્ટ દ્વારા બી.સી.સી.આઈ.નું સંચાલન કરવા નિયુક્ત કરાયેલ કમિટી ઑફ એડ્મિનિસ્ટ્રેટર્સ (સી.ઓ.એ.)ના વડા છે. રાયે કોહલીની ભરચક ક્રિકેટ કાર્યક્રમ માટેની ટીકાને ટેકો આપ્યો છે.

ભારતીય ટીમ શ્રીલંકા સામે ઘરઆંગણેની શ્રેણી ૨૪મી ડિસેમ્બરે મુંબઈમાં ત્રીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ સાથે સમાપ્ત કરી ૨૮મી ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થનાર છે, જ્યાં પહેલી ટેસ્ટ ૫મી જાન્યુઆરીથી રમાશે.

 

(9:03 am IST)