Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

જાતને રમત કરતાં પણ મોટા માનવા લાગ્યા હતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ

બોલ - ટેમ્પરીંગને મામલે કાંગારૂ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું... : આઈસીસીના અધિકારીઓ પર પણ મૂકયો સમગ્ર ઘટનાને હળવાશથી લેવાનો આરોપ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવન વોના મતે જો બોલ - ટેમ્પરીંગ માટે પહેલેથી જ આકરી સજાની જોગવાઈ હોત તો ખેલાડીએ કયારેય આવી ચેષ્ટા કરવાની હિંમત ન કરી હોત. પેરીસમાં થયેલા એક કાર્યક્રમમાં તેણે સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરીંગની ઘટના માટે અધિકારીઓને દોષી ગણાવ્યા હતા. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા તત્કાલીન કેપ્ટન સ્ટીવન સ્મિથ, ડેવીડ વોર્નર અને કેમરન બેનક્રોફટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વોએ કહ્યું હતું કે જયારે આ ઘટના થઈ હતી ત્યારે આઈસીસીની આચારસંહિતા મુજબ બોલ સાથે ચેડા કરવાને લેવલ ટૂનો અપરાધ ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ એને લેવલ થ્રીનો અપરાધ કરવામાં આવ્યો જેમાં ૬ ટેસ્ટ અથવા ૧૨ વન-ડે મેચોનો પ્રતિબંધ સામેલ છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું કે ભૂતકાળમાં પણ જે કેપ્ટનોએ આવી હરકત કરી હતી તેમને ઘણી ઓછી સજા મળી હતી. આમ પરિસ્થિતિ નિયંત્રણની બહાર જતી રહી હતી.

ઓસ્ટ્રેલિયાની આંતરીક વ્યવસ્થા વિશે તેણે કહ્યું હતું કે આ એવી સિસ્ટમ હતી કે ખેલાડીઓ સત્યથી દૂર થઇ ગયા અને તેમને લાગવા કહ્યું કે તેઓ રમત કરતા પણ મોટા થઈ ગયા છે. ટીમની આસપાસ ઘણા એવા લોકો હોય જે તમારી હંમેશા પ્રશંસા કરતા હોય છે. સ્મિથે એક વાર કહ્યું પણ હતું કે હું આવી ભૂલ ફરી નહિં કરૂ. આ વાતથી જ ખબર પડે છે તેને ત્યારે ખબર જ નહોતી કે બોલ ટેમ્પરીંગ કેટલી મોટી ભૂલ હતી.

(3:43 pm IST)