Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભારતીય દિવ્યાંગ રાષ્‍ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન દિનેશ સેને નવી દિલ્‍હીમાં પટ્ટાવાળાની નોકરી મેળવવા માટે અરજી કરી

નવી દિલ્હી: ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર અને દિવ્યાંગ રાષ્ટ્રીય ટીમનું કેપ્ટન પદ સંભાળી ચુકેલા દિનેશ સેને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA)માં ચોથા વર્ગના કર્મચારી (પટાવાળા)ના પદ માટે અરજી કરી છે. બાળપણથી જ પોલિયોગ્રસ્ત દિનેશે 2015 અને 2019ની વચ્ચે ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તરફથી 9 મેચ રમી હતી અને તે દરમિયાન ટીમની આગેવાની પણ કરી હતી. તે 35 વર્ષની ઉંમરમાં તેમના પરિવારનો ખર્ચ ઉપાડવા માટે નોકરી શોધી રહ્યા છે. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક વર્ષનું બાળક પણ છે.

દિનેશે સોનીપતમાં તેમના ઘરથી પીટીઆઇને જણાવ્યું, 'હું 35 વર્ષનો છું અને ગ્રેજ્યુએશનના પહેલા વર્ષનો અભ્યાસ કરું છું. હું ફક્ત 12માં પછી ક્રિકેટ રમ્યો, ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પણ હવે મારી પાસે પૈસા નથી. નાડામાં ચોથા વર્ગના કર્મચારી માટે એક જગ્યા ખાલી છે. અત્યારે દિનેશનો મોટો ભાઈ તેનો અને તેના પરિવારનો ખર્ચ ઉપાડી રહ્યો છે, પરંતુ દિનેશે કહ્યું કે સમય પૂરો થઈ રહ્યો છે અને તેથી તે નાડામાં નોકરી મેળવવા માંગે છે.

જિલ્લા અદાલતમાં પણ આ પદ માટે ઇન્ટરવ્યુ આપનાર દિનેશે કહ્યું કે, 'આ નોકરી માટેની વયમર્યાદા સામાન્ય લોકો માટે 25 વર્ષ છે, પરંતુ દિવ્યાંગ વર્ગના લોકો માટે 35 વર્ષ છે. તેથી સરકારી નોકરી મેળવવાની આ મારી છેલ્લી તક છે. દિનેશને ફક્ત એ વાતનો અફસોસ છે કે દેશ માટે રમ્યા છતાં પણ તેને પૈસા અને ખ્યાતિ મળી નથી.

તેમણે કહ્યું કે, 'મારો એક પગ બાળપણથી જ પોલિયોથી પ્રભાવિત છે, પરંતુ ક્રિકેટ પ્રત્યેના મારા ઉત્સાહથી મને ક્યારેય એવું ન લાગ્યું કે હું એક દિવ્યાંગ વ્યક્તિ છું. 2015માં બાંગ્લાદેશની પાંચ દેશોની ટૂર્નામેન્ટમાં હું ચાર મેચોમાં આઠ વિકેટ સાથે સૌથી સફળ બોલર હતો. મેં પાકિસ્તાન સામે પણ બે વિકેટ ઝડપી હતી. દિનેશ તે ટીમ સાથે પણ સંકળાયેલ હતો જેણે 2019માં ઇંગ્લેન્ડમાં ખિતાબ જીત્યો હતો, પરંતુ એક અધિકારી તરીકે.

દિનેશે કહ્યું કે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો, પરંતુ નવા છોકરાઓને માર્ગદર્શન આપવા ટીમમાં જોડાવાનું કહેવામાં આવ્યું હતું. દિનેશે કહ્યું કે જો તેને નાડામાં નોકરી મળે છે, તો તેને રમતગમત સાથે જોડાયેલા રહેવામાં મદદ કરશે. તેણે કહ્યું, 'હવે હું ક્રિકેટ નહીં રમું પરંતુ મારે મારો પરિવાર ઉછેરવાની જરૂર છે અને હું રમત સાથે જોડાયેલ રહેવા માંગું છું.'

(5:01 pm IST)