Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રોડ ટેસ્ટ કિક્રેટમાં પ૦૦ વિકેટ ઝડપનાર ૭મો અને ઇંગ્લેન્ડનો બીજો બોલર બન્યોઃ પ્રશંસા કરવા યુવરાજસિંહની ફેન્સને અપીલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટમાં જ્યારે સામેલ કરવામાં આવ્યો તો બ્રોડે પોતાના પ્રદર્શનથી બધા ટીકાકારોને શાંત કરી દીધા. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં બ્રોડે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર સાતમો અને ઈંગ્લેન્ડનો બીજો બોલર બની ગયો છે.

આ તકે ઘણા ખેલાડીઓએ તેને શુભેચ્છા આપી છે. શુભકામનાઓ આપનારમાં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સામેલ છે. યુવરાજ અને બ્રોડનું નામ જ્યારે પણ એક સાથે આવે તો વર્લ્ડ ટી20મા યુવરાજ દ્વારા બ્રોડની એક ઓવરમાં ફટકારવામાં આવેલી છ સિક્સને યાદ કરવામાં આવે છે.

પરંતુ આ તકે યુવરાજે પોતાના ફેન્સને તે વાત ભૂલીને બ્રોડને શુભેચ્છા આપવાની અપીલ કરી છે. યુવીએ ટ્વીટ કર્યુ, 'મને ખ્યાલ છે જ્યારે પણ હું  @StuartBroad8 વિશે કંઇ લખુ છું તો લોકો તેને છ સિક્સ વાળી ઘટના સાથે જોડી દે છે. આજે હું મારા બધા ફેન્સને અપીલ કરીશ જે તેણે હાસિલ કર્યું છે તેની પ્રશંસા કરે! 500 ટેસ્ટ વિકેટ કોઈ મજાક નથી. તેના માટે મહેનત, સમર્પણ અને દ્રઢ નિશ્ચયની જરૂર હોય છે. બ્રોડી, તું મહાન છે.'

દિગ્ગજોની લિસ્ટમાં સામેલ થયો બ્રોડ

મંગળવારે સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી. બ્રોડે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 800 વિકેટ ઝડપી છે.

(4:57 pm IST)