Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

આઇસીસીએ બીજી ટીમોને અસુરિક્ષત ભારતનો પ્રવાસ કરતી રોકવી જોઇએ: પાકિસ્‍તાનના પૂર્વ ‌કેપ્ટન જાવેદ મિયાંદાદ

લાહોર: પાકિસ્તાન ક્રિકેટના કેટલાક લોકોને ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર નિવેદનબાજી કરવામાં જાણે વિકૃત આનંદ આવતો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પ્રમુખ અહેસાન મનીએ કહ્યું કે ભારત ક્રિકેટરો માટે પાકિસ્તાન કરતા પણ વધુ અસુરક્ષિત છે. હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે પણ કઈંક આવું જ નિવેદન આપીને આઈસીસીને વણમાંગી સલાહ આપીને ભલામણ કરી છે.

શું છે ભલામણ

મિયાંદાદે શુક્રવારે કહ્યું કે આઈસીસીએ બીજી ટીમોને અસુરક્ષિત ભારતનો પ્રવાસ કરતી રોકવી જોઈએ. મિયાંદાદે પીસીબી પ્રમુખ અહેસાન મનના તે નિવેદનનું સમર્થન કર્યું જેમાં મનીએ કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદરશનો વચ્ચે બીજી ટીમોએ ભારતનો પ્રવાસ ખેડતા બચવું જોઈએ.

શું કહ્યું મિયાંદાદે

મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાન નહીં પરંતુ ભારત અસુરક્ષિત છે. અહીં પર્યટકો અસુરક્ષિત છે. માણસ હોવાના નાતે આપણે તેના વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ અને તેનો વિરોધ કરવો જોઈએ. આખી દુનિયા જોઈ રહી છે કે ભારતમાં શું થાય છે. હું પાકિસ્તાન તરફથી વાત કરી રહ્યો છું અને મારું માનવું છે કે ભારતની સાથે તમામ પ્રકારના ખેલ સંબંધ ખતમ કરી દેવા જોઈએ. તમામ દેશોએ ભારત વિરુદ્ધ મોટું પગલું લેવું જોઈએ.

દસ વર્ષ બાદ થઈ ટેસ્ટ સિરીઝ

નોંધનીય છે કે હાલમાં જ પાકિસ્તાનમાં દસ વર્ષ બાદ કોઈ ટેસ્ટ સિરીઝ યોજાઈ છે. આ અગાઉ પાકિસ્તાનમાં ક્રિકેટ ટીમો રમવાની ના પાડતી હતી. દસ વર્ષ પહેલા શ્રીલંકાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ પર આતંકી હુમલો થયો હતો. ત્યારબાદથી દુનિયાભરની ટીમો પાકિસ્તાન જતા ડરતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી યુએઈ પાકિસ્તાન માટે ઘરેલુ મેદાન બન્યું હતું.

ભારત-પાક સિરીઝ પણ નથી રમાઈ

પાકિસ્તાનની ભારત સાથે વર્ષ 2008 બાદ કોઈ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ રમાઈ નથી. પરંતુ 2012-13માં પાકિસ્તાને ભારતનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમાં ટી 20 તતા વનડે મેચો રમાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બંને દેશો વચ્ચે કોઈ પણ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. બંને દેશો વચ્ચે મેચો ન રમાતા પાકિસ્તાનનું મોટું નુકસાન થતું આવ્યું છે.

(5:06 pm IST)