Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ડિકવેલા-મેન્ડિસે ઈંગ્લેન્ડમાં બાયોબબલના લીરા ઉડાવ્યા

વાયરલ વીડિયોમાં ક્રિકેટર્સના કરતૂત જોવા મળ્યા : શ્રીલંકા ક્રિકેટે નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસને આ કૃત્ય બદલ સસ્પેન્ડ કરીને તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરી

નવી દિલ્હી, તા. ૨૮ :શ્રીલંકાના બે ક્રિકેટરો નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસે બાયો બબલના ધજાગરા ઉડાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બન્ને ક્રિકેટરોની કરતૂત જોવા મળી રહી છે. વીડિયોમાં કુશલ મેન્ડિસના હાથમાં નશાકારક પદાર્થ જોવા મળી રહ્યો છે. જેને તે નિરોશન ડિકવેલાની સાથે છુપાઇને લેવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક યૂઝરે શું બન્ને ખેલાડી પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અન્ય યૂઝરે કહ્યું કે, આ ગાંજો હોઈ શકે છે. તો અન્ય લોકો પણ આલોચના કરી રહ્યાં છે.

શ્રીલંકા ક્રિકેટે નિરોશન ડિકવેલા અને કુશલ મેન્ડિસની વિરુદ્ધ બાયો-બબલ પ્રોટોકોલના કથિત ભંગ બદલ તપાસ શરૂ કરી છે અને મળતી માહિતી મુજબ આ બંનેને સસ્પેન્ડ કરાયા છે. આ બન્નેનો રાત્રે બહાર જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આ ઘટનાની તપાસ કરશે કે શું બન્નેએ રાત્રે બહાર નિકળી બાયો-બબલનું ઉલ્લંઘન કર્યું છે?

શ્રીલંકાએ શનિવારે સમાપ્ત થયેલી ત્રણ મેચોની સિરીઝ ૦-૩થી ગુમાવી છે. હવે શ્રીલંકાની ટીમ યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. જેનો પ્રથમ મુકાબલો ૨૯ જૂને ચેસ્ટર લી સ્ટ્રીટમાં રમાશે.

(7:50 pm IST)