Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ટી-૨૦ વર્લ્ડકપ યુએઈમાં જ રમાશેઃ BCCI

શેડયુલ ICCજાહેર કરશે, વર્લ્ડકપની યજમાનીના હકકો ભારત પાસે જ રહેશેઃ જય શાહ

નવીદિલ્હીઃ  છેલ્લા ઘણા સમયથી ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં યોજાશે કે નહીં તેને લઈને અનેક ચર્ચાઓ ઉઠી હતી.  બીસીસીઆઈ ટી૨૦ વર્લ્ડ કપને ભારતમાં આયોજિત કરવા માગતું હતું. પણ સમય અને સંજોગોને કારણે હવે ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં નહીં પણ યુએઈમાં રમાશે. બીસીસીઆઈ ના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે, ટી૨૦ ૨૦૨૧ વર્લ્ડકપ યુએઈમાં શિફ્ટ કરવામાં આવશે.

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું કે, અમે આજે આઈસીસીને જાણ કરીશું કે, અમે ટી-૨૦ વર્લ્ડ કપને યુએઈમાં શિફ્ટ કરીશું. ટુર્નામેન્ટની તારીખો આઈસીસી નક્કી કરશે. આ અગાઉ આઈસીસીએ સ્પષ્ટતા કરી હતી કે ટી-૨૦ વર્લ્ડ કપ ભારતની બહાર રમાશે તો પણ તેના યજમાનીના હક્કો ભારત પાસે જ રહેશે.

આ ઉપરાંત આઈપીએલના ૧૪મી એડિશનની બાકી રહેલ મેચો પણ યુએઈમાં રમાશે. આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરે ચાલુ થઈ શકે તેવી સંભાવના છે. અને ૧૫ ઓકટોબરના રોજ ફાઈનલ રમાઈ શકે છે.

આમ હવે આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓને વિદેશી પ્લેયરને લઈને ચિંતાઓ છે. ટી-૨૦ વર્લ્ડ કપ આઈપીએલના થોડા દિવસો બાદ જ યોજાઈ તેવી સંભાવના છે. જેને કારણે વિદેશી ખેલાડીઓ આઈપીએલ રમવા આવશે કે કેમ તેને લઈને ફ્રેન્ચાઈઝીઓ ભારે મુંઝવણમાં છે.

(4:39 pm IST)