Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ભારતના બોકસર અમિત પંઘલ દુનિયાના નં.૧ બોકસર તરીકે ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેશે

કુલ ૫ ભારતીય બોકસરો ટોપ-૧૦માં સ્થાનઃ ઓલિમ્પિક ડ્રોમાં રેન્કીંગનો ફાયદો મળશે

નવીદિલ્હીઃ ટોકયો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓએ તનતોડ મહેનત કરી છે. તેથી અનેક ખેલાડીઓ પણ વિવિધ રમતો માટે કવોલિફાય થયા છે.

સૌથી ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ભારતીય બોકસર અમિત પંઘલ દુનિયાના નંબર વન બોકસર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રેન્કિંગમાં બોકસર પંઘલને તેમની કેટેગરીમાં નંબર વનનો રેન્ક અપાયો છે. તેઓ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના એવા પહેલા બોકસર છે જે નંબર વન રેન્કિંગ સાથે બોકિંસગ રિંગમાં ઉતરશે.

૨૦૨૧ની એશિયન બોકિંસગ ચેમ્પિયનશિપમાં અમિત પંઘલને ૫૨ કિલોની કેટેગરીમાં ઓલિમ્પિક ચેમ્પિયન જોઈરોવ શાખોબિદિન તરફથી મજબૂત પડકાર મળ્યો હતો. આ મેચ હારી ગયા બાદ પંઘલને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે પંઘલે રેફરીના નિર્ણય પર સવાલ ઉઠાવીને અપીલ કરી હતી. જોકે તેમની અપીલ માન્ય રાખવામાં આવી નહોતી.

બીજા બોકસરોની વાત કરવામાં આવે તો ૬૩ કિલોની કેટેગરીમાં મનીષ કુમાર ૧૮મા ક્રમે , ૭૫ કિલોની કેટેગરીમાં આશીષ કુમાર નવમા અને ૯૧ કિલોની કેટેગરીમાં સતીષ કુમાર નવમા રેન્ક પર છે. મહિલાઓમાં ૫૧ કિલો કેટેગરીમાં મેરિકોમને સાતમું રેન્ક મળ્યું છે. જ્યારે ૬૦ કિલો કેટેગરીમાં સિમરનજીત કૌર ચોથા રેન્ક પર , ૬૯ કિલો કેટેગરીમાં લવલીના બોરગોહેન પાંચમા અને ૭૫ કિલો કેટેગરીમાં પૂજા રાની આઠમા ક્રમે છે. આમ કુલ પાંચ ભારતીય બોકસરોએ ટોપ-૧૦માં પોતાની જગ્યા બનાવી છે. ઓલિમ્પિકમાં ડ્રોમાં રેન્કિંગનો ફાયદો તેમને મળશે.નિયમો પ્રમાણે પહેલા આઠ રેન્કના બોકસરોને સીધો કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળવાની આશા રહે છે. આવુ થશે તો આ બોકસરો જો એક મેચ જીતશે તો મેડલના હકદાર બની જશે.

(3:29 pm IST)