Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

WTC ફાઇનલ : મેચ ડ્રો કે ટાઇ થશે તો બંને ટીમોને સંયુકત રીતે વિજેતા જાહેર કરાશેઃ આઇસીસી

જો પાંચ દિવસમાં ૩૦ કલાકની મેચ શકય નહિ બંને તો રીઝર્વ-ડેનો ઉપયોગ કરવામાં આવશે

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે ૧૮-૨૨ જૂન દરમિયાન ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં રમાશે. જો આ મેચ ડ્રૉ અથવા ટાઈ થાય છે, તો પછી બંને ટીમોને સંયુકત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ  આ અંગે જાહેરાત કરી હતી.

 આઇસીસીએ ફાઇનલ માટે પ્લેઇંગ શરતો જાહેર કરી છે. આઇસીસીએ કહ્યું છે કે, મેચના ડ્રૉ અથવા ટાઈ થવા પર બંને ટીમોને સંયુકત વિજેતા તરીકે ટ્રોફી આપવામાં આવશે. સાથે જ ૨૩ જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો પ્રથમ પાંચ દિવસોમાં ૩૦ કલાકની મેચ શક્ય ન હોય તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે.   આ બંને નિર્ણયો જૂન ૨૦૧૮માં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત પહેલા લેવામાં આવ્યા હતા. જો સંપૂર્ણ પાંચ દિવસની રમત પછી સકારાત્મક પરિણામ પ્રાપ્ત ન થાય, તો પછી કોઈ વધારાના દિવસની મેચ યોજાશે નહીં અને આવી સ્થિતિમાં મેચને ડ્રૉ જાહેર કરવામાં આવશે.  મેચ દરમિયાન સમય ગુમાવવાની સ્થિતિમાં આઇસીસી મેચ રેફરીઓ નિયમિતપણે ટીમો અને મીડિયાને રિઝર્વે ડેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે અપડેટ કરશે. રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે કે નહીં, તેની જાહેરાત પાંચમા દિવસે છેલ્લા કલાકની મેચ શરૂ થતાં પહેલા કરવામાં આવશે. મેચમાં ગ્રેડ ૧ ડ્યૂક ક્રિકેટ બોલનો ઉપયોગ કરવામાં આવશે.

(3:48 pm IST)