Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ટેલર પર સાડા ત્રણ વર્ષ ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાયો : ICCના એન્ટી કરપ્શન યુનિટની કાર્યવાહી

બ્રેન્ડન ટેલરને બુકીના સંપર્કની વિગતો અંગે તત્કાળ આઇસીસીને જાણ ન કરવાના આરોપસર કાર્યવાહી : કેટલાક ડોપિંગ ટેસ્ટ પણ ટાળ્યા હતા

દુબઈ :ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરે ઘટસ્ફોટ કર્યો હતો કે, મને ઓક્ટોબર, ૨૦૧૯માં એક બિઝનેસમેને ક્રિકેટ લીગના બહાને ભારત બોલાવ્યો હતો અને કોકેઈન ઓફર કર્યું હતુ. મેં તેનું સેવન કર્યું ત્યારે તેણે વિડિયો ઉતારી લીધો હતો અને ત્યાર બાદ એ વિડિયો બતાવીને મને સ્પોટ ફિક્સિંગ કરવા દબાણ કરવામાં આવ્યું હતુ.

આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટે આ મામલે કાર્યવાહી કરતાં બ્રેન્ડન ટેલરને બુકીના સંપર્કની વિગતો અંગે તત્કાળ આઇસીસીને જાણ ન કરવાના આરોપસર કાર્યવાહી કરી હતી. ટેલર પર સાડા ત્રણ વર્ષ માટે કોઈ પણ પ્રકારના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ટેલર પરનો પ્રતિબંધ ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૨થી અમલી બનાવવામાં આવ્યો હતો. તેના પર ડોપિંગની આચારસંહિતાના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ કેપ્ટન ટેલર આવતા સપ્તાહે ૩૬ વર્ષનો થશે. તે રિહેબિલિટેશન ક્લિનિકમાં દાખલ છે અને આ દરમિયાન જ તેણે આ ઘટનાનો ખુલાસો કર્યો હતો.

એક મીડિયા સાથેની મુલાકાતમાં બ્રેન્ડને કહ્યું હતુ કે, છેલ્લા અઢી વર્ષમાં મેં કેટલાક ડોપિંગ ટેસ્ટ ટાળ્યા હતા પણ આખરે હું પકડાઈ ગયો. સપ્ટેમ્બર, ૨૦૨૧માં હું આખરી આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો ત્યારે તેઓએ મારો ડોપ ટેસ્ટ લીધો હતો અને તે પોઝિટીવ આવ્યો હતો.

(10:26 pm IST)