Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૧૯૧ રનથી હરાવ્યું: ૩-૧ થી જીતી સીરીઝ

ચોથા દિવસે ૪૬૬ રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા ટીમ ૨૭૪ રનમાં ઓલ આઉટ

ઇંગ્લેન્ડે જોહાનિસબર્ગમાં રમાયેલ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન સાઉથ આફ્રિકાને ૧૯૧ રનથી હરાવી દીધું હતું. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે ૪ મેચની ટેસ્ટ સીરીઝ ૩-૧ થી પોતાના નામે કરી લીધી હતી. રમતના ચોથા દિવસે ૪૬૬ રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા ટીમ ૨૭૪ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ માટે માર્ક વુડે બંને ઇનિંગને મળી કુલ ૯ વિકેટ લીધી અને તેમને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે સાઉથ આફ્રીકાના ઝડપી બોલર વર્નોન ફિલાન્ડરની આ અંતિમ ટેસ્ટ મેચ અને હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોવા મળશે નહીં

   ઇંગ્લેન્ડે પોતાની પ્રથમ ઇનિંગમાં ૪૦૦ રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકા માત્ર ૧૮૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ૧૧૭ રનની લીડ લીધા બાદ ઇંગ્લેન્ડે બીજી ઈનિંગમાં ૨૪૮ રન બનાવ્યા અને યજમાન ટીમ સામે એક વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો.

 બીજી ઇનિંગમાં રેસી વેન ડુર ડુસેનને છોડી સાઉથ આફ્રિકાના કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. રેસી વેન ડર ડુસેને માત્ર ૯૮ રન બનાવ્યા અને માત્ર ૨ રનથી પોતાની સદી ચુકી ગયા હતા. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે ૩૯ અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ૩૫ રનની ઇનિંગ રમી હતી. એક સમયે સાઉથ આફ્રિકા ૫ વિકેટે ૨૩૫ રન બનાવી શાનદાર સ્થિતિમાં હતું પરંતુ અંતિમ પાંચ વિકેટ માત્ર ૩૯ રનના અંતરાલ પર ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સને સંપૂર્ણ સીરીઝમાં ૩૧૮ રન બનાવ્યા અને ૧૦ વિકેટ લેવા માટે મેન ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચ ૧૦૭ રનથી જીતી હતી પરંતુ ત્યાર બાદ ઇંગ્લેન્ડે બાકી બચેલી ત્રણ મેચ જીતી સીરીઝ પોતાની નામ કરી લીધી હતી.

(2:08 pm IST)