Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ટીમ ઈન્ડિયામાં તક ન મળતા બિપુલ શર્મા અમેરિકા ગયો

ઓલરાઉન્ડર હૈદરાબાદ તરફથી રમ્યો હતો : ખેલાડી વિદેશની કોઈ લીગમાં ભાગ લેવા માગતો હોય તો તેને આઈપીએલ-ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડે

મુંબઈ, તા.૨૭ : ૩૮ વર્ષના સ્પિનર અને બેટર બિપુલ શર્મા સંન્યાસ જાહેર કરીને અમેરિકા જતો રહ્યો છે, અને હવે તે અમેરિકાની ક્રિકેટ ટીમમાં પોતાનું કરિયર શોધી રહ્યો છે. ભારતીય ઘરેલુ ક્રિકેટમાં બિપુલ શર્મા એક મોટું નામ છે. તે ૨૦૧૬ની આઈપીએલ ચેમ્પિયન વિજેતા ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો, ઉપરાંત તે પંજાબ કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. પંજાબથી આવનાર બિપુલ શર્માએ પંજાબ ઉપરાંત અરુણચાલ પ્રદેશ અને સિક્કિમ માટે પણ રમી ચૂક્યો છે.

બીસીસીઆઈના નિયમાનુસાર જો કોઈ ખેલાડી વિદેશની કોઈ લીગમાં ભાગ લેવા માગતો હોય તો તેને આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડે છે. અને બિપુલ શર્મા હવે અમેરિકામાં રમવા માગતો હોવાથી તે ફરીથી ભારતીય ક્રિકેટમાં વાપસી કરી શકશે નહીં. જો કે, હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે, બિપુલ શર્મા અમેરિકામાં કઈ લીગ સાથે જોડાશે, પણ અમેરિકા ગયેલાં મોટાભાગના ભારતીય ક્રિકેટર્સે માઈનર લીગની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. બિપુલના ભારતીય ક્રિકેટના કરિયર પર એક નજર કરવામાં આવે તો, તેણે આઈપીએલમાં ૩૩ મેચો રમી છે, અને ૧૭ વિકેટ ઝડપી છે. ઉપરાંત ૨૦૧૬ની આઈપીએલની ફાઈનલમાં તેણે એબી ડી વિલિયર્સની સૌથી અગત્યની વિકેટ ઝડપી હતી. તે વર્ષ ૨૦૧૮ સુધી હૈદરાબાદ માટે રમ્યો હતો. બિપુલ શર્માએ ૫૯ મેચોમાં ૩૦૧૨ રન અને ૧૨૬ વિકેટની સાથે સંન્યાસની જાહેરાત કરી છે. ૯૬ લિસ્ટ મેચોમાં તેણે ૧૬૨૦ રન બનાવ્યા છે અને ૯૬ વિકેટ ઝડપી છે, જ્યારે ૧૦૫ ટી૨૦ મેચોમાં તેના નામે ૧૨૦૩ રન અને ૮૪ વિકેટ છે. ઉલ્લેખનીય છે કે, ભારત છોડીને અમેરિકા કરિયરની શરૂઆત કરવા જનાર બિપુલ એકમાત્ર ખેલાડી નથી. અગાઉ અંડર ૧૯ ટીમના પૂર્વ કેપ્ટન ઉન્મુક્ત ચંદ અમેરિકા જનાર સૌથી હાઈપ્રોફાઈલ ખેલાડી છે. તે માઈનર લીગમાં સફળ થયા બાદ મેજર લીગનો ભાગ બનશે. તેની ઈચ્છા અમેરિકાની ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું છે. ઉન્મુક્તની સાથે અંડર ૧૯ના તેના સાથી ખેલાડીઓ સમિત પટેલ અને હરમીત સિંહે પણ અમેરિકા જતાં રહ્યા છે.

(7:35 pm IST)