Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઈશાંત પાસે સારો અનુભવ, આફ્રિકા સામેની સિરીઝમાં બોલીંગ એટેકનું નેતૃત્વ લ્યે : પ્રસાદ

સ્ટેન અને મોર્કલ ખાસ કંઈ પડકાર નહીં બને, પણ ભારતીય બેટ્સમેનોએ રબાડાથી ચેતવુ પડશે : બુમરાહ માટે પોતાના પર્ફોર્મન્સ દેખાડવાની તક

નવી દિલ્હી : એક તરફ ભારતીય ખેલાડીઓ સાઉથ આફ્રિકાના લાંબા પ્રવાસે જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ૪૮ વર્ષીય ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાના મુખ્ય પેસ બોલરોમાંના એક ઈશાંત શર્મા વિશે અને સમગ્ર ભારતીય ટીમનો ઉત્સાહ વધારતા નિવેદનો કર્યા છે.

વેન્કટેશ પ્રસાદે કુલ ૧૯૪ ઈન્ટરનેશનલ મેચોમાં કુલ ૨૯૨ વિકેટ લીધી હતી. તે ૨૦૦૧ની સાલમાં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. તેણે ગઈકાલે પીટીઆઈને કહ્યુ હતું કે ઈશાંત એક દાયકાથી રમે છે એટલે સાઉથ આફ્રિકામાં તેણે બોલીંગ આક્રમણમાં આગેવાની સંભાળવી જોઈએ. તેને કઈ બાબત નડે છે એ જ મને નથી સમજાતું. તે સારી પેસથી બોલ ફેંકી શકે છે, તે ઉંચો પણ છે અને તેનામાં આક્રમકતા પણ છે. ખરૂ કહુ તો તે પોતાની ક્ષમતાને બરાબર પારખી જ નથી શકયો. જાવાગલ શ્રીનાથ તેની કરીયર દરમિયાન જે ભૂમિકામાં હતો એવી ભૂમિકા ઈશાંતે ભજવવી જોઈએ. તેણે ઝહીર ખાન અને કપિલ દેવના ઉદાહરણોને પણ લક્ષમાં રાખવા જોઈએ.સાઉથ આફ્રિકામાં ભારતની પ્રથમ ટેસ્ટ પાંચમી જાન્યુઆરીએ શરૂ થશે. વેન્કટેશના મતે ભારતીય બોલીંગ - આક્રમણમાં પુરતી વેરાયટીઓ છે, જો કે તેઓ ત્યાંની પરિસ્થિતિને કેટલા અનુકુળ બને છે એના પર આધાર છે. બુમરાહને પહેલી વાર ટેસ્ટમાં રમવાનો મોકો મળવાનો છે. આશા છે કે તે એ ફોર્મેટમાં પણ સારૂ પર્ફોર્મ કરશે.

(11:42 am IST)