Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મારી સામે અનેક પડકારો મૂકાયાઃ કોઈ યોજનાની માહિતી નો'તી અપાતીઃ મારી સાથે કોઈ બેસતુ નહીઃ યુવરાજ સિંહ

ચેમ્પીયન ઓલ રાઉન્ડરે સંન્યાસ અને દબાણ અંગે મૌન તોડયુ

નવીદિલ્હીઃ યુવરાજ સિંહે આ વખતે જૂનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસની દ્યોષણા કર્યા પછી ચાર મહિના વિતી ગયા પછી પોતાના મનની વાત અંગે મૌન તોડ્યુ છે. યુવરાજે જણાવ્યુ કે શા માટે તેણે નિવૃત્ત થવાની ફરજ પડી તેના પર કેવા પ્રેસર આવ્યા આ અંગે યુવીએ ખાસ વાત કરી હતી.

યુવરાજે કહ્યુ કે મારી સામે નવા નવા પડકારો મુકવામાં આવ્યા હતા. યુવરાજે અફસોસ કરતા કહ્યું કે તેને ટીમમાં કયારેય કોઈ યોજનાની માહિતી આપવામાં આવતી નહી તેની સાથે પણ કોઈ બેસતું નહી એટલી હદે તેને સાઈડમાં કરી દેવામાં આવ્યો હતો.

યુવરાજે કહ્યું કે મેં કયારેય વિચાર્યુ પણ ન હતું કે મને આ રીતે ડ્રોપ કરી દેવામાં આવશે, મને ઈજા પહોંચી હતી છતાં શ્રીલંકા સીરીઝ માટે તુ તૈયાર છે એવુ કહેવામાં આવ્યુ. પછી અચાનક જ યો-યો ટેસ્ટની તસવીરો સામે આવી. મારી પસંદગીમાં આ યુ-ટર્ન હતો. ૩૬ વર્ષની ઉંમરે મારે અચાનક પરત ફરવાનું થયુ અને યો-યોની તૈયારી કરવી પડી. ત્યાર પછી મેં યો-યો ટેસ્ટ કિલયર કરી મને કહેવામાં આવ્યુ કે તારે હવે માત્ર ઘરઆંગણે જ રમવાનું છે.

યુવરાજે કહ્યુ કે અ લોકોને લાગ્યુ હતુ કે હું મારી ઉંમરના કારણે યો-યો ટેસ્ટ પાસ નહીં કરી શકું. ત્યારબાદ મને કાઢવો તેમના માટે સરળ રહેશે. તમે કહી શકો કે આ ફકત તેમને જોઈતું હતુ તે એક માત્ર બહાનું જ હતુ.

ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહએ આ વર્ષે ૧૦ જૂને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. યુવરાજ ભારતની બે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યા અને બંને ટૂર્નામેન્ટ્સમાં તેણે પોતાના પ્રદર્શનથી ખાસ છાપ છોડવામાં સફળતા મેળવી.

(3:51 pm IST)