Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પાકિસ્‍તાન ક્રિકેટ ટીમ ઇંગ્‍લેન્‍ડના પ્રવાસ માટે કાલે લંડન પહોંચશેઃ 3 ટેસ્‍ટ અને 3 ટી20 મેચ દર્શકોની ગેરહાજરીમાં રમાશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવિવારે લંડન પહોંચશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ (ECB) બોર્ડે તેની પુષ્ટિ કરતા કહ્યું કે, 3 ટેસ્ટ અને 3 ટી20 મેચ દર્શકોની ગેરહાજરીમાં રમાશે. આ પ્રવાસ પહેલા ફરી બધા ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે અને ત્યરબાદ તેના જવા કે ન જવા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઈસીબીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, પાકિસ્તાન સ્ક્વોડના બધા સભ્યોનો યાત્રા પહેલા ટેસ્ટ કરવામાં આવશે. જે COVID-19 પોઝિટિવ હશે, તેને રવિવારે યાત્રાની મંજૂરી મળશે નહીં.

પાકિસ્તાની ટીમે વોર્સેસ્ટરમાં 14 દિવસ સુધી ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. ત્યારબાદ તેને 13 જુલાઈએ ડર્બીશાયરના ધ ઇન્કોરા કાઉન્ટી ગ્રાઉન્ડમાં મોકલવામાં આવશે. ટીમ ત્યાં પ્રથમ ટેસ્ટની તૈયારી કરશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ 28 જુલાઈ સુધી ચાલશે. ઈસીબીએ કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ સિરીઝ કાર્યક્રમની જલદી જાહેરાત કરવામાં આવશે.

પાકિસ્તાનના મુખ્ય કોચ અને પસંદગીકાર મિસ્બાહ ઉલ હકની આગેવાનીમાં આ પ્રવાસ માટે 29 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 10 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાદમાં હફીઝે ટ્વીટ કરીને જણાવ્યું કે, તે ટેસ્ટમાં નેગેટિવ છે. સંક્રમિતોમાંથી એક સપોર્ટ સ્ટાફ પણ સામેલ છે.

(4:37 pm IST)