Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચનો મુકાબલો શરૂ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક લોર્ડ્ઝ સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટનો મુકાબલો શરૃ થશે. કેપ્ટન જો રુટની આગેવાનીમાં ઈંગ્લેન્ડને ઘરઆંગણે શરૃ થઈ રહેલી બે ટેસ્ટની શ્રેણીમાં વિજયી પ્રારંભની આશા છે. જ્યારે આયર્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં અત્યંત કંગાળ દેખાવ છતાં જીતવામાં સફળ રહેલું પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે ભારે દબાણ હેઠળ રમવા માટે ઉતરશે. લોર્ડ્ઝમાં ટેસ્ટ શરૃ થશે, ત્યારે ભારતમાં બપોરના ૩.૩૦ વાગ્યા હશે. ઈંગ્લેન્ડને એશિઝમાં ૪-૦થી હારનો સામનો કરવો પડયો હતો. જે પછી તેઓને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં પણ હાર સહન કરવી પડી હતી. હવે તેઓ જીતની રાહની તલાશ કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ આવતીકાલે યુવા ઓફ સ્પિનર ડોમ બૅસને પહેલી વખત મેદાન પર ઉતારવા જઈ રહ્યું છે. ૨૦ વર્ષનો ડોમ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ લોર્ડ્ઝમાં રમવા માટે ઉત્સાહિત છે. તેણે ડોમેસ્ટીક ક્રિકેટમાં ૨૨.૪૯ની સરેરાશથી ૬૩ વિકેટ ઝડપી છે અને હવે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે. છેલ્લા કેટલાક સમયથી કંગાળ દેખાવ કરી રહેલા ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર એલિસ્ટર કૂકના પર્ફોમન્સ પર પણ બધાની નજર રહેશે. જો કૂકનો દેખાવ નહિ સુધરે તો ઈંગ્લેન્ડના પસંદગીકારો તેની હકાલપટ્ટી કરવા જેવો આકરો નિર્ણય પણ લઈ શકે છે.  બીજી તરફ આયર્લેન્ડનો પ્રવાસ પુરો કરીને ઈંગ્લેન્ડ પહોંચેલી પાકિસ્તાનની ટીમની સામે સમસ્યાઓ ઘણી છે. નવી સવી આયર્લેન્ડની ટીમે પાકિસ્તાનના અનુભવી બેટ્સમેનો અને બોલરો સામે પ્રભાવ દેખાડયો હતો. ત્યારે બ્રોડ અને એન્ડરસન સામે પાકિસ્તાન કેવી રીતે ટકશે તે જોવાનું રહેશે. પાકિસ્તાન માટે આમેરની ફિટનેસ ઉત્સાહજનક છે. જોકે અન્યબોલરોએ પણ પર્ફોમન્સ આપવું પડશે. ઈંગ્લેન્ડ : સ્ટોનમેન, કૂક, રૃટ (કેપ્ટન), મલાન, સ્ટોક્સ, બટલર, બારિસ્ટો, વોક્સ, બ્રોડ, એન્ડરસન, બૅસ, વૂડ. પાકિસ્તાન : સરફરાઝ (કેપ્ટન), અઝહર, ઈમામ, એસ.અસ્લમ, સોહૈલ, બાબર, ઝમાન, સાદ અલી, શફિક, સલાહુદ્દિન, શદાબ, આમેર, અબ્બાસ, હસન અલી, રાહત અલી, ફહીર અશરફ.
 

(4:38 pm IST)